- બિઝનેસ, લોન મેળવવાની રીત અને વ્યક્તિત્વ વિકાસ વિશે માર્ગદર્શન
- વાપીની કોલેજના 41 વિદ્યાર્થીઓએ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો
- તાલીમ દરમિયાન કુલ 24 વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા
વાપી ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ તેમના માળખાગત અભ્યાસની સાથે પ્રાયોગિક જીવનમાં પણ આગળ વધી શકે તે હેતુથી કોલેજના સેલ્ફ હેલ્ફ ફોરમ દ્વારા સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, ગાંધીનગર, ગુજરાતના સહયોગથી 12 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત 27મી જુલાઈ 2023ના રોજ ઇન્ડકશન લેક્ચરથી કરવામાં આવી હતી અને તે 10 ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ હતી. કોલેજના 41 વિદ્યાર્થીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન કુલ 24 વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. અને 15 નિષ્ણાતો દ્વારા પ્રાયોગિક ધોરણે સમજાવીને લેક્ચર આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઔદ્યોગિક મુલાકાત અને લાઇફ વર્ક બેલેન્સ સત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં વિદ્યાર્થીઓ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય, સરકાર તરફથી કયાંથી લોન લઈ શકાય તેમજ વ્યક્તિત્વ વિકાસ જેવી બાબતો શીખ્યા હતા. તાલીમના અંતિમ દિને સંસ્થાના ટ્રસ્ટીઓ પૈકી એક ભારતીબેન સુમરીયાએ હાજર રહી તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર તાલીમનું સંચાલન કૉ-ઓર્ડિનેટર ડૉ. યતીન વ્યાસ, ડૉ. ક્રિષ્ના રાજપૂત અને ડૉ. દિપક સાંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે સંચાલકોને બિરદાવ્યા હતા. તેમજ તાલીમના નિષ્ણાતો, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી દરેક વિદ્યાર્થી તેમના જીવનમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે શુભેચ્છા પાઠવી હતી.