- માત્ર પાંજરા ગોઠવી મારણ ન મુકાતા વન્યપ્રાણીઓ પકડાતા નથી
- મૃતક પ્રાણીના પી.એમ.બાદ જ જેના મોત અંગેનું રહસ્ય બહાર આવશે
- રહીશોના જણાવ્યા મુજબ કયારેક વન વિભાગ પાંજરા મુકીને ચાલ્યા જાય છે
કુકરમુંડા તાલુકાના જુનાં રણાયચી ગામની સીમમાંથી આજરોજ 3 થી 4 વર્ષીય દીપડીનો મૃતદેહ જોવા મળતા રહીશોએ વન વિભાગને જાણ કરતા સ્થળ ઉપર પહોંચેલ ટીમે વન્યપ્રાણીનો કબ્જો લઇ પી.એમ.માટે વ્યારા ખાતે લાવવામાં આવ્યો હતો.
કુકરમુંડા તાલુકાના પૂર્વ તરફ પીશાવર તથા પશ્ચિમમાં ઇંટવાઇ સુધીના ગામોના તાપી કિનારાના વિસ્તાર તેમજ કેટલાંક ખેડુતો બોર, કુવા દ્ધારા સિંચાઇ મેળવે છે. વર્ષમાં બે વખત ખેતપાકો લેતા ખેડૂત પરિવારો મોટાભાગે પોતાના પાલતું પશુઓ સાથે બારેમાસ લીલોતરી ધરાવતા ખેતરોમાં જ છાપરાં કે ઝુંપડા બાંધીને રહે છે. પરંતુ આ વિસ્તારમાં સાતપુડા પર્વત વિસ્તારમાંથી ઉતરી આવેલા વન્યપ્રાણીઓ પણ ખેડુત પરિવારો તથા ખેતમજુરોની નજરે ચઢતા રહે છે. તાપી કિનારાનો વિસ્તારમાં વન્યપ્રાણીઓને રહેણાંક મળી રહેતા હોવાથી કયારેક શિકારની શોધમાં નીકળતા હિંસક પ્રાણીઓ પાલતું જાનવરો ઉપર હુમલો કરતા હોવાના કિસ્સા બન્યા છે. ત્યારે ગુરુવારે જુના રણાયચી ગામની સીમમાં મૃત હાલતમાં દીપડી જોવા મળતા ગ્રામજનો ચોંકી ઉઠયા હતા. ગામના જાગૃત નાગરીક દ્ધારા ઘટના અંગે ઉચ્છલના વન અધિકારીને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી ખાનગી વાહનોમાં મૃતક દીપડીને વ્યારા પશુ દવાખાનામાં લઇ આવ્યા હતા. મૃતક પ્રાણીના પી.એમ.બાદ જ જેના મોત અંગેનું રહસ્ય બહાર આવશે તેમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નદી કિનારાના વિસ્તારમાં વર્ષોથી ખૂંખાર પ્રાણીઓ ફરતા રહેતા લોકોમાં ભય રહે છે. રહીશોના જણાવ્યા મુજબ કયારેક વન વિભાગ પાંજરા મુકીને ચાલ્યા જાય છે. પરંતુ મારણ મુકતા જ ન હોવાથી આવા પ્રાણીઓ પાંજરામાં પુરાતા નથી. વન્યજીવોની સંખ્યા ઘટતી રહી છે, બીજા દેશમાંથી વન્યપ્રાણીઓને લાવવામાં આવે છે જયારે આપણા વન્યપશુઓ આવી રીતે મૃત્યું પામે તે ઉચિત નથી, જેઓના સંરક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પર્યાવરણ અને જીવદયાપ્રેમીઓ કરી રહ્યા છે.