દાહોદ: દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ ડામોર ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં અત્યારે કાશ્મીરી એપલ જાતના બોરનું વાવેતર એક એકરની જમીનમાં કર્યું છે. અત્યારે 400 થી 500 જેટલા છોડ એપલ બોરના ખેતરમાં વાવ્યા છે અને આંતર પાક તરીકે વિવિધ જાતના શાકભાજી અને ગલગોટાનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતો હવે વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ ફરી રહ્યા છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ ડામોર બોરની ખેતીમાં નવી પહેલ કરીને ખેતી ક્ષેત્રે એક નવો ચીલો ચિતર્યો છે. વર્ષ 2021થી 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આસામથી લાવેલ વિવિધ પ્રકારના બોરના છોડ આજે તેમને ઘણી કમાણી અપાવી રહ્યા છે. 1 દેશી ગાયના છાણ-મૂત્ર વડે જાતે જ ખાતર અને દવાઓ બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ જણાવે છે કે, “પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીથી ચડિયાતી છે, રાસાયણિક ખેતી વડે જમીન કડક અને નિર્જીવ થઈ જાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતી તમામ પ્રકારે લાભકારી છે. જંતુનાશક દવા પણ જો જાતે જ બનાવી શકાતી હોય તો પછી આ રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ નકામા ખર્ચ કેમ કરવો? જો કે, આપણને ખબર છે કે, આ આપણને આર્થિક તેમજ સ્વાસ્થ્યની રીતે નુકસાનકારક છે.”
આ પણ વાંચો:
મધ ઉછેર સાઈડ ઇન્કમનો મુખ્ય સ્ત્રોત, નિવૃત્ત કર્મીની વાર્ષિક 10 લાખની કમાણી
વધુમાં જણાવે છે કે બોરની ખેતીમાં પ્રતિ વિઘે પિયત, કાપણીનો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત બોરની સીઝનમાં લેબરનો ખર્ચ થાય છે. ખર્ચ કાઢતા પણ એક વિઘામાંથી 80 હજારથી લઈને લાખ રૂપિયા સુધીની આવક કાશ્મીરી એપલ બોરના વેચાણથી મેળવી શકાય છે. આ બોર સ્વાદે ગળ્યા હોય છે અને ખાટી બોરડી ઉપર કલમ કરીને આ બોરડીને વાવવામાં આવે છે. આ ઉપરાંત બોરની બાજુની જગ્યાઓમાં આંતરપાક તરીકે ગલગોટા, શાકભાજીનું વાવેતર કરીને તેમાંથી પણ વધારાની કમાણી કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર