- ત્રણ તાલુકાની 18 દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા
- વેજલપુર મંડળી સંચાલિત દુકાનમાંથી 114 કિગ્રા અનાજની વધ ઝડપાઈ
- કાલોલમાં પુરવઠા તંત્ર દ્વારા તપાસણી કરવામા આવી હતી.
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો સામે અમલમાં મૂકેલ કડક કાર્યવાહીનો સીલસીલો યથાવત રાખતા હોળીના તહેવારો વચ્ચે પણ શનિવારે હાલોલ, કાલોલ અને ઘોઘંબા તાલુકાની 18 સસ્તા અનાજની દુકાનોમાં છાપો મારીને તપાસ હાથ ધરી છે. જે પૈકી કાલોલ તાલુકાની 11 દુકાનોમાં તપાસ હાથ ધરતાં વેજલપુર સ્થિત સસ્તા અનાજની દુકાનમાં બે કટ્ટા ઘઉંની વધ ઝડપાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એચટી મકવાણાએ વ્યાજબી ભાવના સસ્તા અનાજની દુકાનોમાં અવિરત છાપા મારીને વ્યાજબી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની ઉંઘ હરામ કરી નાખી છે જેને પગલે ગરીબોને મળવાપાત્ર અનાજ અંગે મહદ્અંશે ન્યાય મળી રહ્યો છે. જે મધ્યે તાજેતરમાં હોળીના તહેવારો પહેલાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ વધુ એકવાર શનિવારે દિવસભર મોડી સાંજ સુધી પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ અને ઘોઘંબા તાલુકાની 18 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતો છાપો મારીને તપાસ હાથ ધરી હતી, જેમાં કાલોલ તાલુકા વિસ્તારમાં વેજલપુર મંડળી, ખરસાલીયા, કરાડા, ખંડેવાળ, બેઢિયા-1, બેઢિયા-2, બેઢીયા-3, દેલોલ -1, દેલોલ-2 દેલોલ-3 અને દેલોલ-4 જેવી સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી. જે 11 દુકાનો પૈકી કાલોલ તાલુકાની વેજલપુર સ્થિત સરકાર માન્ય પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનમાંથી 63 કિગ્રા ચોખાની વધ, 41 કિગ્રા બાજરીની વધ તથા 16 કિગ્રા તુવેરદાળની ઘટ સાથે કુલ 02 કટ્ટાની વધ મળી આવી હતી, જે વધ પડેલ અનાજના જથ્થાની બજાર કિંમત રૂ. 5,500નો જથ્થો સીઝ કરી વેજલપુર મંડળીના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.