- દરવર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા
- કરજણ તાલુકા ભાજપા પ્રમુખ દ્વારા સાંસદ અને રેલવે રાજ્યમંત્રીને રજૂઆત
- રેલવે નેરોગેજ લાઈન નું રૂપાંતર બ્રોડગેજ લાઈનમાં કરાવામાં આવ્યું
કરજણ તાલુકાના ધનોરા અને ગણપતપુરા તેમજ કંડારી – વેમારડી ગામ વચ્ચેથી કરજણ – ડભોઈ રેલવે બ્રોડગેજ લાઈન પસાર થતી હોય ગામલોકો તેમજ વાહનચાલકોની રોજિંદી અવર જવર માટે રેલવે તંત્ર દ્વારા ગરનાળુ બનાવવામાં આવેલ છે. પરંતુ દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે આ ગરનાળાઓમાં વરસાદી પાણી કેડ સમા ભરાઈ જતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય કરજણ તાલુકા ભાજપા પ્રમુખ દ્વારા કાયમી ધોરણે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ભરૂચ સાંસદ તેમજ રેલ રાજ્ય મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
રેલવે તંત્ર દ્વારા કરજણ થી ડભોઈ સુધીની રેલવે નેરોગેજ લાઈન નું રૂપાંતર બ્રોડગેજ લાઈનમાં કરાવામાં આવ્યું છે.
જેથી કરજણ તાલુકાના ધનોરા , ગણપતપુરા તેમજ કંડારી વેમારડી ગામની સીમમાંથી આ બ્રોડગેજ લાઈન પસાર થતી હોય જવાબદાર તંત્ર દ્વારા દૈનિક કામકાજ અર્થે જવા આવવા માટે ગામલોકો,રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે ગરનાળુ બનાવવામાં આવ્યું છે. કંડારી ગામ તરફ્થી હાઈવે પકડતો હોય તેમજ વેમારડી ગામ તરફ્થી ગંધારા-કાયાવરોહણ તરફ્ જવાતું હોય નોકરી ધંધાર્થે ઉપરાંત બંને ગામની સીમમાં ખેતરો આવેલા હોય ખેતી કામ અર્થે જવા આવવા ગરનાળાનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે.
દરેક ગરનાળા સાથે અન્ય પાંચ – સાત જેટલા ગામડાઓનો પણ વ્યવહાર સંકળાયેલો હોવાનું કહેવાય છે. જનતાની અવરજવર માટે બનાવવામાં આવેલ ગરનાળાના નીચેના રસ્તાની સપાટી જમીનની મૂળભૂત સમતલ સપાટી કરતાં ઢાળ આપી નીચો કરેલ છે.
જેથી ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદે સદર ગરનાળામાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતું હોય છે. પરિણામે ખેતીકામ અર્થે આવતાં જતાં ખેડૂતોને ભારે વિપદા વેઠવાનો વારો આવ્યો છે. લોકોની સગવડ માટે બનાવેલા ગરનાળા હાલ ચોમાસાની ઋતુમાં માથાનો દુઃખાવો બની જવા પામ્યા છે.