ગાંધીનગરમાં વધતા અકસ્માતો વચ્ચે કોબાના
વૃદ્ધ મોપેડ લઈને કામ અર્થે જઈ રહ્યા હતા તે સમયે કાર ચાલકે અકસ્માત સર્જ્યો : ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક કોબાના કમલમ પાસે ગઈકાલે બપોરમાં સમયે
મોપેડ ઉપર જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓને કારણે
તેમનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ
હાથ ધરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે કોબા પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં મોપેડ સવાર વૃદ્ધનું મોત
થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ન્યુ
રાણીપ આકાશ રેસીડન્સીમાં રહેતા તેજશભાઇ નાગરભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ
ઘરેથી કૃષિ ટ્રાવેલ્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતાપિતા છેલ્લા
પાંચ- છ વર્ષથી ગાંધીનગર કોબા ખાતે રહે છે. ગઈકાલે તેજસભાઈ ઘરે હાજર હતા. તે વખતે
તેમના પિતા નાગરભાઇ પટેલનાં ફોન ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી
કે તેમના પિતાને અકસ્માત થયો છે.જેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે લઈ આવવામાં આવ્યા છે. જેનાં પગલે તેજસભાઈ તેમના મિત્ર સાથે માતાને લઈને
તાત્કાલિક ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નાગરભાઈને મૃત જાહેર
કર્યા હતા. ત્યારે
અકસ્માત બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, નાગરભાઇ મોપેડ લઈને ઘરેથી કામ અર્થે નીકળ્યા હતા. દરમ્યાન
કોબાથી કમલમ તરફ સવસ રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારીને મોપેડને
ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે
હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં
આવી છે.