કબુતરબાજી: કેનેડા જવા નિકળેલો માણસા પંથકનો યુવાન કોલકત્તાથી ગાયબ

0
16

હરિશચંદ્રસિંહ રાઓલ (માણસા)
  • આંતરરાષ્ટ્રિય એજન્ટોની ચૂંગાલમાં ફસાયો હોવાની સંભાવના
  • યુવાનને કોઇ અજ્ઞાત જગ્યો ગોંધી રાખ્યો હોવાની પરિવારજનોએ આશંકા દર્શાવી
  • કેનેડાથી અમેરિકા મોકલવાની એજન્ટોએ ખાતરી આપી હતી, નવ શખ્સો સામે ફરિયાદ

માણસા પંથકમાં વધુ એક કબુતરબાજીના બનાવમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો છે. આ યુવાનને એજન્ટો મારફત અમેરિકા મોકલવાની ખાતરી આપવામાં આવ્યા બાદ તેને કોલકત્તા લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી યુવાન ગુમ થઇ ગયો હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. યુવાનના પરિવારજનો પાસેથી એજન્ટોએ 22 લાખની માંગણી કરી છે. આ પૈસા યુવાન કેનેડા પહોંચે પછી આપવાની શરત નક્કી થઇ હતી. જોકે, યુવાન કેનેડા પહોંચ્યો તે અંગેના કોઇ જ પુરાવા એજન્ટો આપી શક્યા નહતા. બીજીતરફ મોડીરાતે ફોન આવ્યા બાદ યુવાનનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતા અને તેનો સંપર્ક નહી થતા આખરે યુવાનને કોઇ અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો હોવાની શક્યતા પરિવારજનોએ પોલીસ સમક્ષ દર્શાવી છે.

માણસા તાલુકાના પરબતપુરા ગામે રહેતા અને ઈલેક્ટ્રીકના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પટેલે ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા સાળા અંકિત કુમારને અમેરિકા મોકલવા માટે પરબતપુરા ગામના રમણભાઈ અમથારામ પટેલ સાથે બે મહિના અગાઉ વાતચીત કરી હતી. તે વખતે રમણભાઈએ તેમના પરિચિત અમદાવાદના બે એજન્ટ દીપેન ભુપેન્દ્રભાઈ પટેલ અને ઋષભ સુરેન્દ્રકુમાર શાહ નામના બે વ્યક્તિઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. આ બે એજન્ટોએ અંકિતને કાયદેસરના અમેરિકાના વિઝા અપાવી વાયા કેનેડાથી અમેરિકા મોકલી દેશે તેવી ખાતરી આપી હતી. અંકિત જ્યારે કેનેડા પહોંચે તે વખતે અડધી રકમ આપવાની શરત કરવામાં આવી હતી. અંકિતને અમેરિકા મોકલવાનું ફાઇનલ ડીલ થતા ગત તા. છ જુલાઇના રોજ સાંજે અંકિતને પરિવારજનો 3000 કેનેડિયન ડોલર સાથે અમદાવાદ એરપોર્ટ થી કલકત્તા મોકલી આપ્યો હતો. અંકિતે કોલકત્તા પહોંચી ગયો હોવાની અને તેને સાગરભાઈ અને વિજયભાઈ એરપોર્ટ પર લેવા આવ્યા હતા તેવો ફેન કરી પરિવારજનોને જાણકારી આપી હતી.

ત્યારબાદ, બીજા દિવસે સવારે અમદાવાદના એજન્ટે પરેશભાઈ ને ફેન કરીને અમેરિકન ડોલર લેવા પડશે તેવી વાત કરતા તેમણે માણસા થી આંગડિયા દ્વારા કલકત્તા અંકિતને એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન બધુ જ પ્લાન પ્રમાણે થતુ હતું. તે પછી સાંજે કલકત્તા થી અંકિતનો ફેન આવ્યો હતો અને તેણે રાત્રે દિલ્હી ની ફ્લાઈટ છે અને ત્યાંથી કેનેડા જવાનું હોવાનું કહ્યું હતું.ત્યારબાદ મોડી રાત્રે અંકિતે ઘરે ફેન કરીને જણાવ્યું હતું કે હું કેનેડા જવા માટે નીકળી ગયો છું. જેથી પરિવારજનોએ ખાતરી કરાવવા માટે અંકિતને વિડીયો કોલ પર વાત કરવાનું કહેતા તેનો ફેન બંધ થઈ ગયો હતો.

પરેશભાઈએ કેનેડાના ટોરેન્ટોમાં રહેતા તેમના એક પરિચિતને અંકિત ત્યાં એરપોર્ટ પર આવવાનો છે તેવા સમાચાર આપતા તેમના સંબંધી એરપોર્ટ પર ઘણો સમય રાહ જોઈ હતી. પરંતુ અંકિત ત્યાં પહોંચ્યો ન હતો. બીજીતરફ બીજા દિવસે અંકિતે વિડીયો કોલ કરી પરિવારજનોને જણાવ્યું હતું કે હું કેનેડા પહોંચી ગયો છું. એક તરફ અંકિત કેનેડા પહોંચ્યો હોવાનું અને બીજીતરફ કેનેડા સ્થિત સબંધી દ્વારા અંકિત અહિ આવ્યો નહી હોવાનું કહેવામાં આવતા પરિવારજનોને દાળમાં કાંઇક કાળુ હોવાની શંકા ગઇ હતી. જેથી પરેશભાઈ તથા ઘરના સભ્યોએ અંકિતને આજુબાજુ નું લોકેશન બતાવવા માટે કહેતા તેનો ફેન બંધ થઈ ગયો હતો. આથી ઘરના સભ્યો ચિંતામાં મુકાયા હતા. બીજી બાજુ અમદાવાદના બે એજન્ટો શરત મુજબ 22 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી પરેશભાઈએ પાકી ખાતરી થયા પછી જ પૈસા આપવાનું જણાવી તમારા જે એજન્ટ ને પૈસા આપવાના છે તેમને રૂબરૂ મોકલજો એવું કહેતા ગઈકાલે અમદાવાદ જમાલપુર થી સરફ્રાજ અહેમદ હુસેન કકુવાલા અને તૌફ્કિ હાજીમોહમ્મદ ગુલ ગુલવાલા નામના બે ઈસમો પરેશભાઈ ને મળવા આવ્યા હતા અને 22 લાખ ની માગણી કરી હતી.

આથી પરિવારજનોએ અંકિત ખરેખર ક્યાં છે તે બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ શખ્સોએ તેઓને વડોદરાના ભાર્ગવ પ્રમોદભાઈ પટેલ તથા રાણીપ અમદાવાદના દેવાંશ જીતેનકુમાર પંચાલના કહેવાથી પૈસા લેવા માટે આવ્યા છે અને અંકિત ક્યાં છે તે બાબતની તેમને કોઈ જ ખબર નથી એવું જણાવતા અંકિત ને અમેરિકા મોકલવાના બહાને પૈસા પડાવવાના ઇરાદે કેનેડા પહોંચ્યો હોવાનું જણાવી અજ્ઞાત સ્થળે ગાંધી રાખવામાં આવ્યો હોવાની આશંકાએ પરેશભાઈ એ માણસા પોલીસ સ્ટેશનને ઉપરોક્ત તમામ નવ વ્યક્તિઓ વિરુદ્ધ ફ્રિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અંકિત હરિયાણા દિલ્હીની એજન્ટ ગેંગના ચૂંગાલમાં ફસાયો હોવાની સંભાવના

કબુતરબાજી મારફત કેનેડાથી અમેરિકા જવા માટે નિકળેલો અંકિત દિલ્હી-હરિયાણાની એજન્ટ ગેંગના ચૂંગાલમાં ફસાયો હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ ગાંધીનગર એલસીબીના પોલીસ ઇન્સપેક્ટ જે. એચ. સિંધવ, પોલીસ સબ ઇન્સપેટર એસ. પી. જાડેજા, પી. ડી. વાઘેલા સહિતની ટીમે દિલ્હી ખાતે દરોડો પાડીને કબુતરબાજી મારફત વાયા કેનેડાથી અમેરિકા જવા ઇચ્છતા કેટલાક લોકોને આ ગેંગના ચૂંગાલમાંથી છોડાવ્યા હતા. આ ગેંગે તેઓને દિલ્હીની હોટલમાં ગોંધીને રાખ્યા હતા. પરિવારજનો પાસેથી પૈસા પડાવવા માટે તેઓને ટોર્ચર કરવામાં આવ્યા હતા. જે રીતે ઉપરોક્ત વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી તેવીજ મોડસ ઓપરેન્ડી અંકિતના કેસમાં જણાઇ રહી છે. અંકિત ફોન કરીને એજન્ટો જે કહે તે પ્રમાણે વાતો કરી રહ્યો છે. જેના પરથી તેને પણ ટોર્ચર કરીને બળજબરીપુર્વક તેની પાસેથી બોલાવવામાં આવતુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યુ છે. અંકિત પોતે કેનેડા પહોંચી ગયો હોવાનું જણાવે છે. જ્યારે હકિકતમાં તે સત્ય નથી. આ પરથી અંકિતને પણ આ ગેંગે ગોંધી રાખી સ્થાનિક એજન્ટો મારફત પૈસા પડાવવાનો પ્રસાય કરવામાં આવ્યો હોવાનું જણાઇ રહ્યુ છે. સમગ્ર ઘટનાથી અંકિતનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

અમેરિકા વાયા કેનેડાની વાતથી ડિંગુચાની કરૂણાંતિકા તાજી થઇ

અંકિતને કબુતરબાજી મારફત વાયા કેનેડાથી અમેરિકા મોકલવામાં આવનાર હોવાનું પ્રાથમિક રીતે જણાઇ રહ્યુ છે. આ મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ એક વર્ષ અગાઉ ડિંગુચાના પરિવાર સાથે સર્જાયેલી કરૂણાંતિકા તાજી થઇ હતી. ડિંગુચાનો પરિવાર પણ એજન્ટોની મારફત વાયા કેનેડાથી અમેરિકા જવા માટે નિકળ્યો હતો. પરંતુ અમેરિકાની બોર્ડર પાસે આ પરિવાર ઠંડીમાં થીજી જતા તેઓના મૃત્યુ થયા હતા. ઉપરોકત પધ્ધતિથી અમેરિકા જવુ જોખમભર્યુ હોવા છતા હજુપણ કલોલ, માણસા પંથકના અનેક લોકો પૈસા આપીને આ માર્ગે જ અમેરિકા જવાના અભરખા ધરાવે છે જે ચેતવણીરૂપ બાબત છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here