ગારિયાધારના પરવડી ગામના વાડી વિસ્તારમાં એલસીબીની રેઈડ
મથક સીમ વિસ્તારની ભાગવું રાખેલી વાડીમાં વિદેશી દારૂ ઉતાર્યો હતો, બે સામે ગુનો નોંધાયો
ભાવનગર/ગારિયાધાર: ગારિયાધારના પરવડી ગામે મથક સીમ વિસ્તારમાં આવેલી વાડીના કપાસના વાવેતરની અંદર છૂપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ બે શખ્સો વિરૂદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.
ગારિયાધાર તાલુકાના પરવડી ગામના બાબુભાઈ મકાભાઈ ખેનીની મથક સીમ વિસ્તાર નામની વાડીએ ભાગવું રાખીને રહેતા રેમત કેમાભાઈ ડુભીલ તથા દિનેશ માવસિંગભાઈ ડુભીલએ ભાગવી રાખેલી વાડીમાં ભારતીય બનાવટનો દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે ગત મોડી રાત્રે રેઈડ કરતા દિનેશ ડુભીલ નામનો શખ્સ વાડીમાં હાજર મળી આવ્યો હતો અને એલસીબીની ટીમે વાડીમાં તપાસ કરતા કપાસના વાવેતરમાં છૂપાવેલા કુલ ૩૭૨ નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. જે અંગે ત્યાં હાજર શખ્સની પુછપરછ કરતા આ જથ્થો તેના ભાગીદાર રેમત ડુભીલે મંગાવેલો હોવાનું જણાવતા એલસીબીએ કુલ રૂ.૪૩,૯૨૦ની કિંમતના પ્રોહિ.મુદ્દામાલ સાથે દિનેશ માવસિંગભાઈ ડુભીલને ઝડપી લઈ ગારિયાધાર પોલીસ મથકમાં દિનેશ માવસિંગભાઈ ડુભીલ અને રેમત કેમાભાઈ ડુભીલ (બન્ને હાલ રહે. પરવડી મુળ રહે. છોટાઉદેપુર) સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.