- ઘરઆંગણે દાદાના દર્શનનો લાભ લઈ ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી
- પાલખીમાં બિરાજમાન કરી રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
- હનુમાનજી મંદિર ખાતે વિસામો બાદ પુનઃ શોભાયાત્રા નગરના માર્ગો ઉપર ફરી હતી
પ્રતિ વર્ષની જેમ શ્રાવણ સુદ-11ના દિવસે કપડવંજના મીરાપુરા ગામના પૌરાણિક શ્રી સોમાનાથ મહાદેવમાંથી પરંપરાગત રીતે દાદાને પાલખીમાં બિરાજમાન કરી રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા મહાદેવથી નીકળી નજીકના ફુલબાઈ માતાજી મંદિર,કુબેરજી મહાદેવ બાદ મોટા હનુમાનજી મંદિર ખાતે વિસામો બાદ પુનઃ શોભાયાત્રા નગરના માર્ગો ઉપર ફરી હતી. જ્યાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નગરના વિવિધ મંદિરો પૈકી વૈજનાથ મહાદેવ, કામેશ્વર મહાદેવ-હનુમાનપોળ, રત્નાગીરી માતાજી મંદિર-પટેલવાડા, રામજી મંદિર-લાંબીશેરી ખાતે વિસામો બાદ પુનઃ શોભાયાત્રા મોઢેશ્વરી માતાજી મંદિર, નિલકંઠ મહાદેવ,રણછોડરાય મંદિર-કાછિયાવાડ સહિત વિવિધ મંદિરોમાં દાદાનું પૂજન-અર્ચન કરી આરતી ઉતારી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે નગરની મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચની વાડી ખાતે ભાવિકો માટે મહાપ્રસાદ(ફરાળ)નું આયોજન કર્યું હતું. શોભાયાત્રામાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિજનો અને કપડવંજ સમસ્ત બ્રહ્મ સમાજના ભુદેવો પરંપરાગત પોષાક પિતાંબર ધારણ કરી જય સોમેશ્વર, જય ભુવનેશ્વર, જય કુબેરના નાદ સાથે દાદાની સવારી નીકળી હતી. નગરના વિવિધ ઠેકાણે શોભાયાત્રાના ભાવિકો માટે શરબત, પાણી વગેરેનું આયોજન જે તે વિસ્તારના લોકોએ કર્યું હતું.