– લારીના દબાણો દૂર કરવા વેપારીઓની માંગ
– ધાક-ધમકી આપી લારીધારકો દુકાનોની આગળ લારી ઉભી રાખતા હોવાનો વેપારીઓનો આરોપ
કપડવંજ : કપડવંજમાં તંત્ર દ્વારા દુકાનદારોએ કરેલા દબાણો દૂર કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. દુકાનોની આગળ લારી ધારકો દ્વારા કરવામાં આવેલા દબાણો સામે પોલીસ અને વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બન્યું હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ લારીના દબાણો દૂર કરવા માંગ કરી હતી.
કપડવંજમાં પોલીસને સાથે રાખીને પીડબલ્યૂડી દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં કેટલીક દુકાનો આગળ દબાણ કરાયેલા ઓટલાઓ તોડી નાખવામાં આવ્યા હતા. જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ આક્ષેપ લગાવ્યા હતા કે, લારીવાળાઓ ધાક-ધમકી આપીને દુકાનોની આગળ પોતાની લારીઓ ઉભી કરી દે છે. જેને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા દેખાય છે. જોકે, દબાણ દૂર કરવા આવતી તંત્રની ટીમ અને ટ્રાફિક પોલીસને લારીના દબાણો દેખાતા ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ દુકાન આગળના પગથિયા તોડી નાખવામાં આવતા ગ્રાહકોને દુકાનમાં આવવામાં મુશ્કેલી ઉભી થતી હોવાનું વેપારીઓએ ઉમેર્યું હતું. તેમજ વેપારીઓ સાથે દાદાગીરી કરી દુકાનની આગળ લારી ઉભી રાખનારા લારી ધારકોના દબાણો પણ હટાવવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી.