- ગામનો બોર એક સપ્તાહથી બંધ રહેવાને કારણે ગ્રામજનો પરેશાન
- ગામની પ્રજા ખેતરોમાં ખાનગી બોર ઉપરથી પાણી લાવવા મજબુર બની ગયા
- પીવાના પાણીનો પ્રશ્ન હલ સત્વરે થાય તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી
કપડવંજ તાલુકાના તંથડી ગામમાં પંચાયતનો બોર બગડી જતા ગ્રામજનોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે છે.ગામની પ્રજા ખેતરોમાં ખાનગી બોર ઉપરથી પાણી લાવવા મજબુર બની ગયા છે.
આ અંગેની જાણ ગામના ચાર-પાંચ દિવસ પહેલા ગામના જાગૃત નાગરિકો સહિત ગ્રામજનોએ સરપંચ,ઉપસરપંચ,સભ્યો તથા તલાટીને કરવામાં આવી હતી.પરંતુ આજદીન સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.હાલના સમયે પાણીની મોટર બહાર કાઢીને નાંખી મુકવામાં આવી છે અને જાણે પંચાયત તંત્ર જાણે ઘોર નિંદ્રામાં તમાશો દેખી રહ્યું હોય તેમ ગ્રામજનોને લાગી રહ્યું છે. ગામની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી,વીજળી,રોડ-રસ્તાઓ માટે ગામના વિકાસ અને ગામની સુખાકારી માટે સરપંચની ચૂંટણીમાં હોંશે હોંશે મત આપવા જતી પ્રજાને હાલ પંચાયત દ્વારા રંઝાળવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.પંચાયત દ્વારા ઘેર-ઘેર ફરીને ઘરવેરો, સફાઈવેરો, પાણીવેરો ઉઘરાવી લેવામાં આવે છે પરંતુ આ રીતે પાણીનો પ્રશ્ન આવે તે વખતે ચૂંટાયેલલા પ્રતિનિધિઓ કોઈ સામે જોતું નથી તેમ ગૃહિણીઓએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું.વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે પંચાયતની નિષ્કિયતાને કારણે દર બે-ત્રણ મહિને મોટર બળી જાય છે.મોટરને લગતી સામગ્રી અંગે પંચાયતના ચોપડે ખર્ચ ઉધારવામાં આવે છે તેમ છતાં પણ યોગ્ય સમયે કામ થતું નથી.ગામના પીવાના પાણીનો પ્રશ્ન હલ સત્વરે થાય તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.