- ગ્રામજનોએ કચરો સળગાવવાના ગંભીર પ્રશ્નનો નિકાલ કરવાની માંગ કરી
- લક્ષ્મીપુરા ગામે પ્રદૂષણ અને ઝેરી ધુમાડાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે
- તાલુકાના 600ની વસ્તી ધરાવતું લક્ષ્મીપુરા ગામ છેલ્લા ઘણાં સમયથી પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠયું છે
કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે પ્રદૂષણ અને ઝેરી ધુમાડાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. કડી નગરપાલિકાની કચરો નિકાલની સાઈટ ઉપર રાત્રીના સમયે કચરો સળગાવતા દુર્ગંધ મારતો ધુમાડો ઉત્પન્ન થતા લક્ષ્મીપુરા ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકાર્યો છે. છેલ્લા દસ વર્ષથી આ ગંભીર સમસ્યાનો નિકાલના લાવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કડી તાલુકાના 600ની વસ્તી ધરાવતું લક્ષ્મીપુરા ગામ છેલ્લા ઘણાં સમયથી પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠયું છે. કડીથી જોડાણા રોડ ઉપર કડી નગરપાલિકાની કચરો નિકાલની ડમ્પિંગ સાઈડમાં સમગ્ર કડીનો કચરો ઠાલવવામાં આવે છે. ડમ્પિંગ સાઈડથી નજીકમાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે. જેમાં અઠવાડિયે, 10 દિવસે અને 15 દિવસે ડમ્પિંગ સાઈડનો કચરો સળગાવવામાં આવે છે. જેનો ધુમાડો લક્ષ્મીપુરા ગામ તરફ જતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગત રાત્રે ધુમાડાનું પ્રદૂષણ થતા લક્ષ્મીપુરા ગામના ચાર ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લક્ષ્મીપુરા ગામના કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મ્યુનસીપાલિટીનો કચરો સળગાવવામાં આવે છે. તેની ઘણી વખત રજૂઆતો કરી પરંતુ કંઈ જ નિરાકરણ આવતું નથી હવે અમે મામલતદાર કચેરી જઈને રજૂઆત કરીશું અને આનો કાયમી નિકાલ થાય તેવું કરીશું. આ સમસ્યાના કારણે શ્વાસની તકલીફ વાળાને તો બહુ જ હેરાનગતિ થાય છે.