- કડીમાં 29 ખેડૂતોએ મોડલ ફાર્મ માટે અરજી કરી
- પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં 3 વર્ષમાં 23 ટકા ઉછાળો થયો
- પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી શરૂ કરી બમણી આવકની સાથે લાખોની કમાણી કરી રહ્યા છે
કડી તાલુકામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ત્રણ વર્ષમાં 23 ટકા જેટલો વધારો થયો છે. ત્રણ વર્ષમાં 22,576 ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી શરૂ કરી બમણી આવકની સાથે લાખોની કમાણી કરી રહ્યા છે.કડી તાલુકાના 111 ગામડામાં ખેડૂતો હવે ધીરે ધીરે પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા ખેતી કરીને બમણી આવકથી લાખોની કમાણી કરી રહ્યા છે.ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના સમર્પિત પ્રયાસો થઈ રહ્યા છે અને આ પ્રયાસોના ભાગરૂપે આજે કડી તાલુકામાં ત્રણ વર્ષમાં 22,576 ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ તરફ્ વળ્યા છે. 2021-22ની વાત કરીએ તો ફ્ક્ત 915 લોકો જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા હતા, ત્યારે વર્ષ 2022-23 માં આ આંકડો વધીને 6,603 જેટલો થઈ ગયો હતો. હાલ 2023-24 માં ખેડૂતોની સંખ્યા 15,058 થઈ ગઈ હતી. જેથી સરકારની પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા ખેડૂતો ખેતી કરે તે યોજના ધીરે ધીરે આગળ ને આગળ વધી રહી છે. ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ્ વળવા લાગ્યા છે.
આ ઉપરાંત સરકાર હવે ગામે ગામ એક મોડલ ફર્મ યોજના લઈને આવી છે. તેમાં કડી તાલુકામાં વર્ષ 2023-24માં 29 ખેડૂતોએ મોડલફર્મ માટે અરજી કરી છે. વડુ ગામના ખેડૂત નટવરભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ થી ખેતી કરે છે. તેઓ તેમના ખેતરમાં જ જીવામૃત બનાવે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી વિવિધ પાકો વાવીને બમણી આવક મેળવી લાખોની કમાણી કરે છે. સરકાર તરફ્થી તેમને વાર્ષિક 10,800 સહાય પણ મળે છે.