- નાનીકડી વિસ્તાર અને કલ્યાણપુરા રોડ ઉપરની ટ્રાફ્કિની સમસ્યા હળવી બનશે
- રોડ બનાવવામાં સોસાયટીના રહીશો હજુ પણ ટસના મસ થતાં નથી
- પાલિકા તંત્ર અને નગરસેવકોના પ્રયાસો જારી છે
કડી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુ.ડી.પી.-88 અંદાજે રૂ.2 કરોડની ગ્રાન્ટ મંજુર થતાં પાલિકાએ નાનીકડી અયોધ્યા ધામ રામજીમંદિર, ભગીરથ સોસા., અનમોલ વીલા સોસાયટીથી જય વિનાયક સીટી સુધીનો 18 મીટર મંજુર થયેલ ડી.પી.રોડ સ્ટોર્મ વૉટર સહિત ડબ્લ્યુ બી.એમ 10 મીટર રોડ બનાવવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલું કરી છે. કડી કલ્યાણપુરા રોડ અને સુજાતપુરા રોડને જોડતાં આ માર્ગથી નાનીકડી વિસ્તારની ટ્રાફ્કિની સમસ્યા હળવી બનશે. કડી શહેર અને તેના સીમાડાને અડતા નાનીકડી વિસ્તારની લગભગ 70 ઉપરાંત સોસા.ના લોકોના અવર જવર માટે અનમોલવીલા અને સંકલ્પ સોસાયટી પાસેથી નેળીયામાં બનાવેલ પાકા સાંકડા રસ્તા પરથી પસાર થવાની ફરજ પડે છે.જેના કારણે દિવસભર સ્થાનીક રહીશો અને વાહન ચાલકોને ટ્રાફ્કિની સમસ્યા અને વાહનોના ઘોંઘાટનો સામનો કરવો પડવો છે. તેમજ દિવસે ને દિવસે નાનીકડી જકાતનાકા પર તેમજ કડી કલ્યાણપુરા રોડ પર ટ્રાફ્કિની સમસ્યા વકરતી જાય છે.કડી પાલિકાએ ડી.પી રોડ બનાવવા ગુજરાત સરકારમાં માંગણી કરી હતી. રાજ્ય સરકારે પંદરેક વર્ષ અગાઉ ડી.પી રોડની મંજુરી આપી હતી, પરંતુ ભગીરથ સોસાયટીના રહીશોને કારણે ડી.પી રોડ વિવાદાસ્પદ બન્યો હતો. પરંતુ પાલિકાની વર્તમાન નગરસેવકોની ટીમના સભ્યો જગદીશભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ,નીતીન પટેલ, અરવિદ પંડયા, પાલિકા ઈજનેર મહેશ પરમાર સહિતના નગરસેવકોએ ભારે જહેમત ઉઠાવી જમીન સંપાદન સહિતના વિવાદોનો અંત લાવી આખરે લોક હિતમાં ડી.પી રોડનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે, પરંતુ ભગીરથ સોસાયટીને અડીને બનનાર અંદાજે 100 મીટરનો રોડ બનાવવામાં સોસાયટીના રહીશો હજુ પણ ટસના મસ થતાં નથી.પરંતુ પાલિકા તંત્ર અને નગરસેવકોના પ્રયાસો જારી છે.