- અમદાવાદ ખાતે રહેતી બહેનના ઘરે જઈ રહ્યો હતો
- અજાણ્યાં વાહન ચાલકે બાઈક ચાલક યુવાન પ્રકાશને ટક્કર મારતાં
- યુવાન વાહનના આગળના ટાયરમાં આવી ગયો હતો
શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના કટારીયા દેવાભાઈનો 30 વર્ષીય પુત્ર પ્રકાશ શુક્રવારે સાંજે ઘરેથી બાઈક લઈ અમદાવાદ ખાતે રહેતી બહેનના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે દેત્રોજથી કડી તરફ્ આવતાં રસ્તામાં અજાણ્યાં વાહન ચાલકે બાઈક ચાલક યુવાન પ્રકાશને ટક્કર મારતાં યુવાન વાહનના આગળના ટાયરમાં આવી ગયો હતો. અકસ્માત થતાં લોકોના ટોળેટોળાં દોડી આવી યુવાનને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.યુવકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા એકના એક પુત્રનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
યુવકનું મોત નિપજતા યુવકનાં પરિવારજનોને કડી ભાગ્યોદય હોસ્પિટલના ડૉ. હિતેશ પંચાલ, મેડિકલ સ્ટાફ્ દ્વારા ચક્ષુદાન કરવાની સમજાવટ કરાતા પરિવારજનોએ યુવકનું ચક્ષુદાન કરવાનું નક્કી કર્યું હતું.
જેનાં પગલે કડીની સેવાભાવિ સંસ્થા લાયન્સ ક્લબના ડૉ. આનંદ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, લાયન્સ કલબના પ્રમુખ જયેશ પટેલ, મયંકભાઈ પટેલ, આલ્ફ એજ્યુકેશન સહિતના સેવાભાવિ ટીમનો સંપર્ક કરતા કાર્યકર્તાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી મરણ જનાર યુવકની બંને આંખોનું કલેક્શન કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોળકા ખાતે મોકલી આપી હતી. પરિવારે યુવકની ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દ્રષ્ટિ આપવાની પહેલ કરી સમાજમાં એક આગવું ઉદાહરણ પુરું પાડયુંછે.