- છેલ્લા 4 મહિનાથી પગાર ન થતા ના છૂટકે માસ સીએલ પર ઉતરવાનો વારો આવ્યો
- કર્મચારી દ્વારા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટને પણ અનેક વખત રજૂઆત કરાઈ
- સિવિલ હોસ્પિટલ દ્વારા તેઓને ગાંધીનગર લઈ જવા જણાવતાં દર્દીને ધર્મ ધક્કો પડયો
કડી તાલુકાના કુંડાળ ગામે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના વર્ગ બે અને ત્રણના કર્મચારીઓનો છેલ્લા ચાર માસથી પગાર ન થતા નાં છૂટકે માસ CL ઉપર ઉતરવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા કર્મચારીઓ માસ CL ઉપર ઉતરતા અન્ય જગ્યાએથી સ્ટાફ્ને બોલાવાની ફરજ પડી હતી. 17થી વધુ કર્મચારીઓ CL ઉપર ઉતરતા તેની સામે પૂરતો સ્ટાફ્ ન આવતા દર્દીઓ હેરાન પરેશાન થઈ ઊઠયાં છે.
કડી સરકારી હોસ્પિટલમાં ક્લાસ બે અધિકારી તરીકે મેડિકલ ઓફ્સિર તરીકેની ફરજ બજાવતા ચાર અધિકારીઓ સહિત ક્લાસ ત્રણના ફર્માસિસ્ટ, નર્સ, ક્લાર્ક, લેબ ટેકનીશીયન, સહિત કુલ 17થી પણ વધુ કર્મચારીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વીંચિત રહ્યા હતા. જેથી તેમની હાલત કફેડી બની ગઈ છે. ચાર માસ પૂર્ણ થવાના હવે 10 દિવસ બાકી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કર્મીઓનો પગાર ન કરાતા કર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી પગાર ન કરાતા આખરે કર્મીઓને માસ CL પર ઉતારવાનો વારો આવ્યો હતો.
કડીના કુંડાળ ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફ્સિર સહિત કુલ 17થી વધુ કર્મચારીઓ ગુરુ, શુક્ર અને શનિ એમ ત્રણ દિવસ માટે માસ CL ઉપર ઉતરતા દર્દીઓની કફેડી હાલત જોવા મળી હતી. કર્મચારી દ્વારા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટને પણ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ કઈ નિવારણ ન આવતા ગત મહિને કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેનાં પગલે કડીનાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ અગ્ર સચિવને લેખિતમાં પત્ર લખીને વહેલી તકે પગાર ચૂકવવા માટે રજૂઆત કરી હતી જેને પણ એક મહિનો થવા આવ્યો છે. પરંતુ હજુ સુધી કર્મચારીઓ ચાર માસના પગારથી વંચિત રહેતા કર્મીઓની હાલત કફેડી બની ગઈ હતી. જેને લઇ આખરે કર્મીઓ દ્વારા બે દિવસ અગાઉ સુપરિન્ટેન્ડેન્ટને લેખિતમાં જાણ કરીને ત્રણ દિવસ માટે માસ CL ઉપર ઉતરી ગયા હતા.
બીજી જગ્યાએથી કર્મીઓને બોલાવવામાં આવેલા
કડી સરકારી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને મનીષાબેને જણાવ્યું હતું કે, સ્ટાફ્માં ક્લાસ 2 અને 3ના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓને ચાર મહિનાથી પગાર મળ્યો નથી તેથી કર્મચારીઓ માસ CL ઉપર ઉતર્યા છે. ઉપર સુધી બધી જ રજૂઆત થઈ ચૂકી છે. અમને ઉચ્ચ અધિકારીઓનો સહકાર છે. અમારા 17 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે તે માટે બીજી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં બીજી જગ્યાએથી કર્મચારીઓને બોલાવવામાં આવેલા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવેલી છે. ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ આવી જશે.
ડોક્ટરોના અને કર્મચારીઓના અભાવથી દર્દીની હાલત કફેડી
કડી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ CL ઉપર ઉતરતા દર્દીઓની હાલત કફેડી બની ગઈ હતી. મૂળ દાહોદ જિલ્લાના અને કડીથી 30 કિલોમીટર દૂર આવેલા દેત્રોજ તાલુકાના કોંતિયા ગામે મજૂરી કામ કરતાં શંકરભાઈ પોતાની પત્નીને સગર્ભા અવસ્થામાં હોય કડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. પરંતુ ડોક્ટરોના અને કર્મચારીઓના અભાવના કારણે તેમની હાલત કફેડી બની હતી. બે કલાક સુધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગાડીમાં પત્નીને બેસી રહેવાનો વારો આવ્યો હતો. આખરે સિવિલ હોસ્પિટલ દ્વારા તેઓને ગાંધીનગર લઈ જવા જણાવતાં દર્દીને ધર્મ ધક્કો પડયો હતો.