- બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી
- એક ઓરડીમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડેલો છે
કડી તાલુકાના સાદરા ગામની સીમમાં ફેક્ટરીની બાજુની ઓરડીમાં સંતાડેલા વિદેશી શરાબનો જથ્થો કડી પોલીસે બાતમીના આધારે જપ્ત કર્યો હતો. જ્યારે બુટલેગર સ્થળ પરથી ફ્રાર થઈ જતા કડી પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કડી પોલીસ મથકનો સ્ટાફ્ અલગ અલગ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે કડી પોલીસ મથકનો સ્ટાફ્ દેત્રોજ રોડ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલ સિવાચ કંપનીની બાજુમાં એક ઓરડીમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડેલો છે. જે બાતમીના આધારે કડી પોલીસે સાદરા ગામની સીમમાં આવેલ કંપનીની બાજુમાં ઓરડીમાં રેડ કરતા વિદેશી શરાબની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. કડી પોલીસે ચકાસણી કરતાં વિદેશી દારૂનો જથ્થો ઉપેન્દ્રસિંહ નામના શખશે સંતાડેલો છે. કડી પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો અને બિયરના ટીન 511 નંગ કિંમત રૂપિયા 65,500નો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગર વિરુદ્ધ કડી પોલીસ મથકે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.