- પાનમમાં આઉટફલો 1,680 કયુસેક : કડાણામાં આઉટફલો 3,960, ઇનફલો 1 હજાર કયુસેક નોંધાયો
- જળપ્રવાહ વચ્ચે સતત વપરાશને લઇને નદી ઉપરના બંધોના જળસ્તરમાં ઘટાડો સર્જાયો છે
- ભારે વરસાદને પગલે પાણીની વિપુલ આવક થતાં જળાશયો પાણીથી ભરપુર બન્યા હતા
ચરોતરમાંથી પસાર થતી મહીસાગર નદીના ઉપરવાસમાંથી વહેતા જળપ્રવાહ વચ્ચે સતત વપરાશને લઇને નદી ઉપરના બંધોના જળસ્તરમાં ઘટાડો સર્જાયો છે. જેમાં કડાણા જળાશયમાં હાલમા પાણીનુ લેવલ 74.20 ટકા અને સપાટી 124.39 મીટરે પહોંચી હોવા ઉપરાંત પાનમ ડેમમાં પાણીનુ લેવલ 80.83 ટકા તેમજ જળસપાટી 125.70 મીટરે સ્થિર થતાં કડાણામા છેલ્લા ચાર માસમા જળસ્તર 25.08 ટકા, પાનમમાં 19.04 ટકા ઘટયા છે.
આણંદ-ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી ઉપર આવેલા પાનમ અને કડાણા જળાશયમાં પાણીના સતત ઉપયોગ, નહેરો મારફતે પીવા માટે તેમજ ખેતીકાર્યો માટે સમયાંતરે પાણીની ફાળવણી સહિત બાષ્પીભવનને લઇને પાણીના લેવલમાં આંશિક ઘટાડો સર્જાતો રહે છે. ચોમાસુ સિઝનમાં સમયાંતરે વરસાદ થવા સહિત નદીના વહન માર્ગમાં સ્થાનિક કક્ષાએ તેમજ ઉપરવાસમા થયેલા ભારે વરસાદને પગલે પાણીની વિપુલ આવક થતાં જળાશયો પાણીથી ભરપુર બન્યા હતા. જેમા બન્ને જળાશયોમા ચોમાસુઋતુ દરમ્યાન પાણીની પુર્ણ અવસ્થાએ 20મી ઓક્ટોબરના રોજ કડાણા ડેમમાં જળસ્તર 100 ટકા જયારે પાણીનુ લેવલ 127.40 મીટર રહેવા પામ્યા હતુ. .તેવી જ રીતે પાનમ ડેમમાં જળસ્તર 99.87 ટકા, પાણીની સપાટી 127.40 મીટર નોધાઇ હતી. જોકે ચોમાસુઋતુની અપેક્ષાએ શિયાળુઋતુની ઉત્તરાર્થ વસ્થાએ 17મી ફેબ્રુઆરીએ કડાણા જળાશયમાં જળસ્તર 74.20 ટકા અને સપાટી 124.39 મીટરે પહોંચી છે. જયારે આઉટફલો 3960 કયુસેક , ઇનફલો 1 હજાર કયુસેક નોંધાયો છે. ઉપરાંત પાનમ ડેમમાં જળસ્તર 80.83 ટકા તેમજ જળસપાટી 125.70 મીટરે સ્થિર થવા ઉપરાંત આઉટફલો 1680 કયુસેક રહેવા પામ્યો છે.