Pulses Price Hike: દેશની રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવા છતાં તેનો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. ઘણી ચીજોના ભાવોમાં ઘટાડો તેમજ સરકારે પણ અનાજ-કઠોળ અને તેલિબિયાં પર લાગુ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં બજારમાં ભાવ જૈસે થૈ છે. આ બાબતની નોંધ લેતાં હવે સરકાર ફરી એક્શન મોડમાં આવી છે.
કઠોળના ભાવ 15થી 20 ટકા ઘટાડવા પ્રેશર
જથ્થાબંધ માર્કેટમાં અડદ, ચણા, મસૂર, મગ સહિત કઠોળના ભાવ 5થી 20 ટકા ઘટ્યા છે. પરંતુ સરકારના તમામ પ્રયાસો છતાં રિટેલ ભાવ ઘટ્યા નથી. જેથી સરકાર હવે રિટેલ વેપારીઓને કઠોળના ભાવ 15થી 20 ટકા ઘટાડવા દબાણ કરી રહી છે. તેમજ ભાવ ઘટાડાનો લાભ ન આપનારા રિટેલર્સ પર કાર્યવાહી કરવાની યોજના પણ બનાવી રહી છે.
જથ્થાબંધ ભાવ ઘટ્યા
જથ્થાબંધ બજારોમાં કઠોળ, અનાજ અને તેલિબિયાંના ભાવો ઘટ્યા હોવા છતાં રિટેલર્સ તેનો લાભ ગ્રાહકોને આપી રહ્યા નથી. તેલિબિયાંના ખેડૂતોને સારા ભાવ મળી રહે તેમજ સ્થાનિક બજારમાં વેચાણ વધે તે હેતુ સાથે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તેના લીધે તેલના વેપારીઓએ ભાવ ઘટાડવાને બદલે વધારી દીધા છે.
શાકભાજીના ભાવમાં પણ કોઈ રાહત નહીં
રિટેલ મોંઘવારીનો દર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટ્યો હોવા છતાં શાકભાજીના ભાવોમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. બટાકાં, ડુંગળી, લસણ, ટામેટાં સહિતના શાકભાજીના ભાવ હજી પણ બમણા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝન મુજબ, અડદ દાળ 22 ડિસેમ્બર, 2023ના રોજ 153.79 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી, જે 22 ડિસેમ્બર, 2024ના રોજ 157.06 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. એક વર્ષ પહેલા ચણાની દાળ 83.44 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 93.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.