કચ્છ: દર વર્ષની દેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઈ ગયો છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લેવા માટે આવતા હોય છે. રણોત્સવની મુલાકાતે આવતા પ્રવાસીઓને સરળતા રહે તે એક મહત્વનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. કચ્છ કલેક્ટરની સૂચના મુજબ એસટી વિભાગ દ્વારા દૈનિક ધોરણે 3 એસટી બસની સેવા ચાલુ કરવામાં આવી છે. જેથી સફેદ રણ જવા માંગતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ બનશે.
રણોત્સવ જવા માટે એસટી બસો શરૂ
કચ્છ જિલ્લા એસટી વિભાગના વાય.કે. પટેલે જણાવ્યું હતું કે, ભુજ શહેરના સ્માર્ટ બસ સ્ટેશનથી એસટી બસની મીની લકઝરી બસ ઉપડશે અને ધોરડોમાં બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓને ઉતારશે. કચ્છ જિલ્લાના ધોરડોમાં રણોત્સવની મજા માણવા આવતાં દેશ-વિદેશથી અને બહારગામથી બસમાં આવતા પ્રવાસીઓ સરળતાથી રણોત્સવમાં પહોંચી શકે તે માટે ભુજથી ધોરડોની બસ સેવા ચાલુ કરવામાં આવી છે.
3 બસો દરરોજ જશે રણોત્સવ
કચ્છના રણોત્સવમાં જવા માટે ભુજ શહેરથી ધોરડો જતી બસમાં બેસવું પડશે. જે એસટી બસ તમને ધોરડો (સફેદ રણ) પહોંચાડશે. એસટી બસના સમયની વાત કરીએ તો, ભુજથી સવારે 8:30 બપોરે 13:00 અને 14:30 કલાકે રણોત્સવ જવા માટે એસટી બસ ઉપડશે. જ્યારે ધોરડો (સફેદ રણ) થી ભુજ જવા માટે સવારે 11:15 સાંજે 18:00 અને છેલ્લી બસ સાંજે 19:00 કલાકે ઉપડશે. આ સરકારી મીની એસટી બસમાં 30 પ્રવાસીઓ મુસાફરી શરૂ કરી શકશે.
2 માર્ગોમાં બસો દોડશે
રણોત્સવ જવા માટે સરકારી એસટી બસના રૂટની વાત કરીએ તો સરકારી એસટી બસ દરરોજ 2 રૂટમાં દોડશે. જેમાં એક બસ ભીરંડીયારા થઈને ધોરડો જશે. જ્યારે બીજી એસટી બસ ખાવડા થઈને ધોરડો જશે. આ સરકારી એસટી બસમાં 30 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. એસટી નિયામકે વધુમાં જણાવ્યું કે, જો વધારે ટ્રાફિક મળશે તો મોટી બસો પણ આ રૂટમાં શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે 2023માં રણોત્સવમાં 4.24 લાખ પ્રવાસીઓ રણોત્સવમાં સફેદ રણની મજા માણવા માટે આવ્યા હતા. જ્યારે સરકારને 3.67 કરોડની આવક થઈ હતી. આ વર્ષે પ્રવાસીઓને કોઈ મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસો શરૂ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર