કસ્ટમ કે ડીઆરઆઈ નહીં પણ પોલીસે સોપારી ઝડપી
ટ્રકમાંથી સોપારી ઉતારી સિંધુ લૂણ ભરતા સમયે જ પોલીસે દરોડો પાડયો, ૫ સામે ફરિયાદ
ગાંધીધામ: કચ્છમાં વધુ એકવાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોપારીની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી ૧.૬૧ કરોડના કિંમતની ૫૫,૯૫૦ કિલો સોપારી જપ્ત કરી છે. મુંબઈના વેપારી સાથે મળીને કંડલા સેઝમાં એક્સપોર્ટ પેઢી તથા વેરહાઉસ ધરાવતાં શખ્સે સમગ્ર કારસાને અંજામ આપ્યો હતો. જો કે, માલ સગેવગે કરે તે પહેલાં પોલીસે દરોડો પાડી માલ જપ્ત કરી લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ બાતમીના આધારે બે દિવસ અગાઉ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટૂકડીએ ગાંધીધામ તાલુકાનાં ચુડવાની સીમમાં આવેલા ગૌતમ ટ્રાન્સપોર્ટ પેઢીના વાડામાં દરોડો પાડયો હતો. વાડામાં પાર્ક કરેલાં બે કન્ટેઈનર ટ્રેલર માંથી આધાર પૂરાવા વગરનો સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને શંકા જતાં મુદ્દામાલ તરીકે માલ જપ્ત કરીને સ્થળ પર હાજર બંને ટ્રેલરના ચાલક તથા માલ લોડ કરાવનાર જુનૈદ યાકુબ નાથાણી (રહે. સપનાનગર, ગાંધીધામ મૂળ રહે. ઉપલેટા, રાજકોટ)ની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.જુનૈદે પોલીસને જણાવ્યું કે તે કંડલા સેઝમાં અનિતા એક્સપોર્ટ નામની પેઢી મારફતે વિદેશથી યુઝ્ડ ક્લોથ મગાવીને તેનું રીસાયકલીંગ કરીને લોકલ માર્કેટ તથા આફ્રિકામાં એક્સપોર્ટ કરે છે. આ પેઢી તેના મોટાભાઈ જાવેદના નામે નોંધાયેલી છે. એ જ રીતે, કાસેઝમાં ભાભી નઝીરાના નામે એફ.એન. ઇમ્પેક્સ નામની પેઢી મારફતે વેરહાઉસ ધરાવે છે. જેમાં તે ખારેક, ખજૂર, નમકનું સ્ટોરેજ કરે છે. પોલીસની પૂછપરછમાં જુનૈદે કબૂલ્યું કે સોપારીનો જથ્થો મુંબઈ અંધેરી રહેતા રીયાઝભાઈએ દુબઈથી મુન્દ્રા પોર્ટ પર ૧૫ નવેમ્બરના રોજ ઈમ્પોર્ટ કર્યો હતો. રીયાઝ પોતાના મેમણ સમાજનો છે અને અગાઉ તેણે માલ સ્ટોર કરવા તેનું વેરહાઉસ ભાડે રાખ્યું હોઈ તે ચાર પાંચ માસથી રીયાઝના પરિચયમાં આવ્યો હતો. એક માસ અગાઉ પોતે મુંબઈ ગયેલો ત્યારે રીયાઝને મળ્યો હતો અને રીયાઝે તેને દુબઈથી સોપારી મગાવતો હોવાનું જણાવી માલ ક્લિયર કરાવી આપવા કહ્યું હતું. જુનૈદે રિયાઝને દુબઈથી આવી રહેલી સોપારીને સિંધાલૂણ (રાક સોલ્ટ) નામથી મંગાવવા અને રોક સોલ્ટના નામથી રીસીવર પાર્ટી તરીકે એ.એન. ઈમ્પેક્સના નામનું બિલ અથવા ઈન્વોઈસ બનાવવા જણાવ્યુ હતું. મુન્દ્રા પોર્ટ પર સોપારી ભરેલાં બે કન્ટેઈનર અનલોડ થયાં બાદ તેને ગાંધીધામ લાવવા માટે ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેલર ભાડે રાખ્યા હતા અને કસ્ટમ હાઉસ એજન્ટ સંજયભાઈએ જુનૈદના કહેવા મુજબ બંને કન્ટેઈનર લોડ કરાવી આપીને ગાંધીધામ મોકલી આપ્યા હતા.
ગૌતમ ટ્રાન્સપોર્ટના વાડામાં બંને કન્ટેઈનર ટ્રેલર આવી ગયાં બાદ કન્ટેઈનરના સીલ તોડીને તેમાં રહેલી સોપારી અન્ય ટ્રેલરોમાં ટ્રાન્સફર કરી મુન્દ્રાથી આવેલાં કન્ટેઈનરમાં રોક સોલ્ટ ભરવાનું શરૂ કર્યું હતું. એક ટ્રેલરમાં રાક સોલ્ટ ભરી પણ નાખવામાં આવ્યું હતું અને બીજા ટ્રેલરને ખાલી કરી રાક સોલ્ટ ભરે તે સમયે જ પોલીસે દરોડો પાડયો હતો અને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે જણાયું હતું કે, બંને ગાડી અમદાવાદના અસલાલી મોકલવાની હતી. આ દરોડા બાદ પોલીસે જુનૈદ નાથાણી, મુંબઈથી માલ મગાવનાર રીયાઝ, એફ.એન. ઈમ્પેક્સની માલિક જુનૈદની ભાભી નઝીરા, ડ્રાઈવર બાબુલાલ ગુજ્જર અને વિશાલ જાટવ સહિત તપાસમાં નીકળે તે લોકો સામે સરકારી ટેક્સ ન ભરવો પડે તે હેતુથી પૂર્વઆયોજિત કાવતરું ઘડીને સોપારીના બદલે સિંધા લૂણ જાહેર કરીને ખોટું બિલ બનાવી દુબઈથી ગેરકાયદે આયાત કરીને ટેક્સ ભરપાઈ નહીં કરીને બિલ ઈન્વોઈન્સમાં ખોટી વિગતો દર્શાવી તેમજ ખોટાં ઈલેક્ટ્રોનિક રેકર્ડ અને સંલગ્ન દસ્તાવેજી પૂરાવાઓ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને કાવતરું પાર પાડયું હોવા અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.