– સમગ્ર મામલે ભીનું સંકેલવાની ચર્ચા
– પોલીસે રેડ કરીને કેમિકલ સહિત 3.30 લાખનો મુદ્દામાલ દસ દિવસ અગાઉ ઝડપ્યો હતો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના કંટાવા ગામની વાડીની ઓરડીમાંથી ઝડપાયેલા ગેરકાયદે કમિકલ કૌભાંડ મામલે એસઓજીએ નાસફતા ફરતા આરોપીને પકડી પાડયો છે.જોકે, સમગ્ર મામલે ભીનું સકેલી દેવામાં આવે તેવી પણ ચર્ચા ઉઠી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગત તા.૬ માર્ચના રોજ કંટાવા ગામની સીમમાં આવેલી વાડીમાં બાતમીના આધારે રેઈડ કરી ઓરડીમાંથી ગેરકાયદેસર કેમિકલ ભરેલા ૧૨-મોટા કેરબા, નાના કેરબા અને બેરલ-૩૦ સહિત કુલ રૂા.૩.૩૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે વાડી માલિક અને કેમિકલ કૌભાંડનો આરોપી વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા (રહે.હળવદ રોડ) નાસી છુટવામાં સફળ રહેતા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે બનાવ બાદ છેલ્લા ૧૦ દિવસથી નાસતા ફરતા આરોપી વિશાલસિંહ જાડેજાને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યો છે અને કેસની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર કેમિકલ કૌભાંડમાં વધુ આરોપીઓના નામ ખોલવામાં આવે છે કે પછી મુખ્ય આરોપીઓ સાથે મળી સમગ્ર કૌભાંડ અંગે ભીનું સંકેલી દેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે અને આ અંગે ચર્ચાઓએ જોર પકડયું છે.