- ઉપરવાસના ભારે વરસાદને લીધે ઓઝત નદીમાં ઘોડાપુર આવ્યા
- ૩ સ્થળે પાળો તૂટતા હજારો હેક્ટર ખેતરોમાં પાણી ફરી વળ્યા
- સીમ વિસ્તારમાં 100 પરિવારના જીવ અધ્ધર
ઉપરવાસના ભારે વરસાદને લીધે ઓઝત નદીમાં ઘોડાપુર આવ્યા હતા, જેના કારણે અહીના કેશોદ પાસે ઓઝત નદીનો ત્રણ જગ્યાએ પાળો તૂટી જતા આ પુરના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેતરો અને રહેઠાણ વિસ્તારમાં ઘુસી જતા 100 જેટલા પરિવારોના જીવ અધ્ધર થઈ ચુક્યા છે.
ઓઝત નદીમાં પુર આવે ત્યારે માધવપુર ઘેડ વિસ્તાર અને કેશોદનો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હોય છે. આવા સમયે આજે બપોરે ઓઝત નદીમાં ભારે પુરના કારણે નદીનો પ્રવાહ એટલો ધસમસતો હતો, જેના પરિણામે કેશોદના બામણાસા ઘેડ ગામે અને બાલાગામમાં સીમ વિસ્તારમાં ત્રણ જગ્યાએ માટીથી બનાવેલ પાળા તૂટી પડ્યા હતા. જેના કારણે પુરના પાણી ગામમાં અને સીમ વિસ્તારમાં ફરી વળ્યા છે.
બાલા ગામની શાળામાં પાણી ઘુસી ગયા હતા, તો અહીના બામણાસા અને તેની આસપાસના હજારો હેક્ટર જમીનમાં ઉભા પાક ઉપર પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. બાલાગામની શાળાની બે દીવાલો ધરાસાઈ થયેલ છે, તો અહીના મટીયાળા ગામે પાળો તૂટતા પાણી ફરી વળ્યા છે, હાલ પાણી ભરાવાની શરુઆત થયેલ છે, જેમ જેમ વરસાદ વધશે અને પાણીની આવક વધશે તેમ અહી ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે.