જૂનાગઢ : જય ગિરનારીના નાદ સાથે ગિરનાર આજે વહેલી સવારે ગુંજી ઉઠ્યું હતું. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીની ચાલતી આ ગિરનારની લીલી પરિક્રમા હૈયેથી હૈયું દળાઈ તેટલી માનવ મેદની ઉમટી રહી છે. ગિરનારની 36 KMની આ લીલી પરિક્રમાનું ખાસ મહત્વ જોવા મળે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે. જણાવી દઈએ કે, ગિરનારની પ્રદક્ષિણા કરવા માટે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાંમાંથી લોકો ઉમટી પડતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે એટલે કે, કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. આ પરિક્રમાને માણવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓએ બે દિવસ પહેલા જ આવવાની શરૂઆત કરી દીધી છે. જેથી પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં પ્રવેશ આપવાનું એક દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે. સવારથી જ 25000 થી વધુ પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓ ઈટવા ગેટથી પ્રવેશ લીધો હતો અને જય ગિરનારીના નાદ સાથે સૌ કોઈ પરિક્રમાના રૂટ પર ગિરનારની આરાધના કરવા માટે રવાના થયા હતા.
તંત્ર દ્વારા કરાઈ છે વિશેષ વ્યવસ્થા
અહીં આવનાર યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પીવાના પાણી માટે અલગ અલગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. આ સાથે જે પણ અશક્ત, વૃદ્ધ હોય તેમને લાકડી આપવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ અંદર પ્લાસ્ટિક લઈને ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
કોણે કરી હતી પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા, જાણો લોકવાયકા અને તેનું મહત્વ
જો કોઈપણ વ્યક્તિ પાસે પ્લાસ્ટિકની બેગ હોય અથવા તો પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ હોય તો તેને વન વિભાગ દ્વારા લઈ લેવામાં આવે છે અને તેમને કાપડની બેગ આપવામાં આવે છે. આ સાથે અંદર પણ કોઈએ સાથે પ્લાસ્ટિક ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે.
ગત વર્ષે એક દીપડા દ્વારા બાળકી પર હુમલાની ઘટના બની હતી. તેને અનુલક્ષીને આ વર્ષે પહેલેથી જ સાસણથી એક રેસ્ક્યુ ટીમને બોલાવી લેવામાં આવી છે અને દરેક રાવટી પર પાંજરાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જો કોઈ પણ પરિક્રમા રૂટ પર વન્યજીવ આવી જવાની ઘટના બનશે, તો તુરંત જ નજીકની રાવટી પરથી તેની રેસ્ક્યુ કામગીરી કરી શકાશે, તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
કેવી રીતે યોજાય છે ગિરનારની લીલી પરિક્રમા, જતાં પહેલાં જાણી લેજો રૂટથી લઈને વ્યવસ્થા સુધીની આ માહિતી
હિંસક પ્રાણીઓ બચવા આ કામ કરો
પરિક્રમાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા માહિતી પણ બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, પરિક્રમા વિસ્તારમાં હિંસક પ્રાણીઓ જેવા કે, સિંહ, દીપડા વગેરે વસવાટ કરતા હોય છે, આથી જ યાત્રિકોએ નિયત કરેલા રસ્તા કે, કેડીઓ છોડી જંગલમાં અંદર જવું ન જોઈએ. જોકે પરિક્રમા દરમિયાન કોઈ વન્ય પ્રાણીઓ, પક્ષીઓ સામે આવી જાય તો તેને છંછેડવા જોઈએ નહીં, તેમજ ઝાડની ડાળીઓ, વાંસ વગેરેનું કટીંગ કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.
આ વસ્તું સાથે ન લઈ જવાં સલાહ
આ સાથે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન કોઈપણ જાતના ફટાકડા કે સ્ફોટક પદાર્થ, લાઉડ સ્પીકર, પ્લાસ્ટિકની થેલી, પાન-માવા, ગુટકા, બીડી-સિગારેટ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ સાથે રાખવી ન જોઈએ. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે સ્ટોલ રાખવાની મનાઈ છે. પરિક્રમા વિસ્તારમાં આગના બનાવો ન બને તે માટે ચૂલાઓ, તાપણાઓ સળગાવવા નહીં. ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય હોવાથી દરેકે તમામ પ્રવર્તમાન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
જુનાગઢની પરિક્રમામાં જતા પહેલાં આ બાબતોનું રાખજો ધ્યાન, બાકી થઈ જશો જેલ ભેગા
આજથી શરૂ થયેલી આ એક દિવસ વહેલી પરિક્રમા હવે આવનારા દિવસોમાં લાખોની સંખ્યામાં ભીડ ભાવિકોની ઉમટી પડશે અને દરેક આવનાર ભાવિક ભક્તો ગિરનારની આરાધનામાં લીન થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર