- SOU અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત આયોજન
- બાજરીના હલકા ધાન્યોનું મૂલ્યવર્ધન અને તેની બનાવટો વિશે માર્ગદર્શન અપાયું
- એકતાનગર ખાતે ઉજવાયેલ મિલેટ્સ ફેસ્ટિવલની ઉજવણીની ઝાંખી
સમગ્ર વિશ્વ વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે જી-20ની થીમ સાથે મિલેટ્સ ફેસ્ટિવલની ઉજવણી કરાઇ હતી. જેમા પશુપાલક-ખેડુતમિત્રો-પ્રવાસીઓને મિલેટ્સ પાકોનું મહત્વ, ઉપયોગિતા, જરૂરિયાત અને પ્રાકૃતિક ખેતીમાં તેના કુશળ ઉપયોગ વિશે કૃષિ માર્ગદર્શન અપાયું હતું. સ્થાનિક મહિલાઓએ બનાવેલ હલકા ધાન્યની વિવિધ વાનગીનું પ્રદર્શન યોજાયુ હતુ.
સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ઓથોરિટીના સીઈઓ ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, વિજ્ઞાને પણ પ્રગતિ કરી છે જેના ભાગરૂપે મિલેટ્સ ક્રાંતિ શરૂ થઈ ચુકી છે. વાતાવરણ પ્રમાણે માનવશરીરને અનુરૂપ ખોરાકની ઓળખ શક્ય બની છે. આજે સંપૂર્ણ વિશ્વ મિલેટ્સ તરફ્ પ્રયાણ કરી રહ્યું છે. મિલેટ્સની ખેતી માટે નર્મદા જિલ્લાની જમીન અનુકુળ છે. આરોગ્યપ્રદ જીવન માટે હલકા ધાન્યને ઝડપી અપનાવવું જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ખેડૂતમિત્રોને હલકા ધાન્યની ખેતી, ઉત્પાદન અને ઉપયોગથી માહિતગાર થવા તેમજ આજના યુગમાં મિલેટ્સ (હલકા ધાન્ય) ને દૈનિક આહારમાં અને પ્રાકૃતિક ખેતીમાંથી ઉપજ થયેલ વસ્તુઓ પર વિશેષ ભાર આપવા જણાવ્યું હતું.