- પાણી પુરવઠા યોજના હથેળીમાં ચાંદ દેખાડવા સમાન સાબિત થઈ હોવાનું જણાયું
- કેટલાંક ગામોમાં સંપ બનાવાયા નથી, તો કેટલાંક ગામમાં પાઈપલાઈનનો અભાવ
- મસમોટા ભ્રષ્ટાચારના કારણે 15થી વધુ ગામોમા લોકોને હજુ સુધી પીવાનું પાણી મળતું નથી
મહુવા તાલુકાના ઉમરા ગામે 14 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી ઉમરા જૂથ પાણી પુરવઠા યોજના માત્ર હથેળીમાં ચાંદ દેખાડવા સમાન જ સાબિત થઈ હોવાનું જણાય રહ્યું છે. 23 ગામોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવા માટે બનાવેલી આ યોજનાનું પાણી પાંચ ગામમાં પણ હજુ સુધી પહોંચી શક્યું નથી. આખી યોજના ખાડે જતાં સરકારના કરોડો રૂપિયા પર ભ્રષ્ટાચારનું પાણી ફરી વળતા વિસ્તારના લોકોએ તપાસની માંગ કરી છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મહુવા તાલુકાના ઉમરા ગામે ઉમરા જૂથ પાણી પુરવઠા યોજનાના નામ હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલી આ યોજનાથી આ વિસ્તારના 23 ગામોને ફિલ્ટર પાણી મળશે એ આયોજન કરાતા જ આ વિસ્તારની જનતામાં ખુશીની લહેર વ્યાપી હતી, પરંતુ એ ખુશી પાણીમાંનો પરપોટો સાબિત થઈ છે. આ યોજનામાં સબહેડ વર્ક્સ અંતર્ગત ઉમરાના 4 ગામો, તરકાણીના 7 ગામ, વલવાડાના 12 ગામોનો સમાવેશ થાય છે. ઉમરા ખાતે બનાવેલા પ્લાન્ટમાં 7.92 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ તો 46 લાખ લિટર ભૂગર્ભ સંપનું નિર્માણ તો કરવામાં આવ્યું હતું, પરંતુ તે લોકોને ફિલ્ટર થયેલું ચોખ્ખું પાણી પહોંચાડવામાં નાકામીયાબ નીવડી છે. આ આખી યોજનામાં થયેલા મસમોટા ભ્રષ્ટાચારના કારણે 15થી વધુ ગામોમા લોકોને હજુ સુધી પીવાનું પાણી મળતું નથી. કેટલાય ગામોમાં પાણીના સંપ બનાવવાનું કામ પણ રઝળી ગયું છે. પાઈપલાઈનો પણ ગામડે સુધી પહોંચી શકી નથી.
આ યોજના અંતર્ગત પાણી પુરવઠા દ્વારા આ ફિલ્ટર્ડ પાણીને 23 ગામમાં બનનારા સંપ સુધી પાણી પહોંચાડવાની જવાબદારી હોય અને આગળની કાર્યવાહી ગ્રામપંચાયતે કરવાની હોવાની જણાવી હાથ ખંખેરી લીધા છે. પરંતુ ગ્રામ પંચાયતોમાંં પાઈપલાઈનની વ્યવસ્થા જ નથી અને જે હતી એ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. તો પાણીની ટાંકીઓ જર્જરિત થઈ ગઈ છે. આ યોજના હાલ કાગનો વાઘ સાબિત થઈ રહી હોય છે. યોગ્ય વહીવટના અભાવે સરકારની તિજોરીના કરોડો રૂપિયા વપરાયા હોવા છતાં યોજનાનો હેતુ જળવાયો નથી. ત્યારે આ બાબતે ઉચ્ચતરીય તપાસ થાય અને યોજનાએ સાચા અર્થમાં પ્રજાલક્ષી બનાવવામાં આવે તે જરૂરી છે.
કેટલાંક ગામોમાં સંપ બનાવાયા નથી, તો કેટલાંક ગામમાં પાઈપલાઈનનો અભાવ
ઉમરા જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી મહુવા તાલુકાના તરકાણી, ગંગાડિયા, કોષ, કુમકોતર સહિતના કેટલાક ગામોમાં તો માત્ર સંપમાં જ પાણી આવે છે, પરંતુ ગ્રામજનોને આ ગામની પાઈપલાઈનના અભાવે પાણી ઉપયોગમાં આવતું નથી. તો ઉમરા, હળદવા, વલવાડા જેવા બે ચાર ગામોમાં માત્ર દસ બાર ઘરો આ પાણી મળતું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ યોજનાનો સમાવેશ કેટલાંય ગામોમાં ભૂગર્ભ સંપ પણ બનાવાયા નથી કે ત્યાં સુધી પાણી પહોંચાડવાની પાઈપલાઈનો પણ રઝડી ગઈ છે. કેટલાયે ગામોમાં આખી યોજના કાગળ પર પૂરી થઈ ગયેલી બતાવી સરકારના 14 કરોડ રૂપિયાનું આંધણ ભ્રષ્ટાચારના રૂપમાં થયાનું જણાઈ રહ્યું છે.