– ભાવનગરનું યુવાધન માદક દ્રવ્યોના રવાડે ચડયું
– ભાવનગર પોલીસની માદક દ્રવ્યોના સંગ્રહ-વેચાણ સામે સઘન કાર્યવાહી અને લોક જાગૃતિનો પ્રયાસ છતાં અસામાજિક તત્ત્વો દ્વારા ચાલતો નશાનો કારોબાર
ભાવનગર : ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યોનો કારોબાર મેટ્રોસિટી કે મોટા શહેરો પૂરતો સીમિત ન રહેતાં ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ પ્રસર્યો છે. યુવાધન નશાના રવાડે ચડીને બરબાદીના પંથે વળ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસે પણ ડ્રગ્સ, ચરસ, અફીણ સહિતના કારોબાર અને નશાની બદી અટકાવવા માટે સઘન પ્રયત્નો હાથ ધર્યાં છે. પોલીસ તંત્રની નાર્કોટિક્સ કારોબાર સામેની ઝુંબેશના ભાગરૂપે આ વર્ષના છેલ્લા ૯ માસ દરમિયાન રૂપિયા અર્ધા કરોડ ઉપરાંતની કિંમતનો ડ્રગ્સનો જથ્થો બરામત કરવામાં આવ્યો છે અને નશાનો કારોબાર કરતા તત્ત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા ઉપરાંત તેના વેચાણ અંગે સઘન કાર્યવાહી કરવાની સાથોસાથ જનજાગૃતિના કાર્યક્રમો યોજીને યુવાવર્ગને નશાના માર્ગેથી પાછા લાવવાનો પ્રયાસ પણ કરી રહેલ છે.
ભાવનગરમાં યુવાનો નશાના રવાડે ચડી પોતાની જિંદગી અંધકારમાં ધકેલી રહ્યા છે જેના કારણે ડ્રગ્સનો કારોબાર પણ ભાવનગરમાં ફૂલીફાલી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા બહારના રાજ્યોમાંથી ભાવનગરમાં ડ્રગ્સના જથ્થા ઘૂસાડવાનો પર્દાફાશ છાશવારે કરવામાં આવ્યો અને માદક પદાર્થોના કારોબારમાં સંડોવાયેલા શખ્સોને પકડીને જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી છતાં નશાનો આ કારોબાર ક્યારે અટકશે તે જોવું રહ્યું ? ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ‘નશામુક્ત ભાવનગર અભિયાન’ સમગ્ર જિલ્લામાં ચાલુ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જ આઇજીપી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ દ્વારા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબુદ કરવા માટે ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘૂસાડી યુવાધનને નશાના રવાડે ચડાનારા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ડામી દેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તે માટે ‘નો ડ્રગ્સ ઈન ભાવનગર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર અભિયાન અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા નશાનો કારોબાર કરનારા ઈસમોને ભો ભીતર ધરબી દેવામાં આવ્યા હોવા છતાં ભાવનગરમાંથી છાશવારે ડ્રગ્સનાં કારોબારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે. ભાવનગરમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી.ડ્રગ્સ ) અને મેથા એમ્ફેટામાઈનનાં જથ્થા ભાવનગર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તદ્ઉપરાંત ચરસ અને અફીણનો કારોબાર પણ ભાવનગરમાં છાનાખૂણે થઇ રહ્યો છે. ભાવનગર પોલીસ તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન અલગ-અલગ દરોડાની કાર્યવાહી દરમિયાન રૂા. ૫૨,૭૮,૩૦૦ નાં મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) અને મેથા એમ્ફેટામાઈનનાં જથ્થાને પકડી પાડી નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી લઇ જેલહવાલે કરવામાં આવ્યા છે.
તારીખ |
વજન |
કિંમત |
૧૦-૦૩-૨૦૨૪ |
૯૧.૮૦૦ |
રૂ.૯,૧૮૦૦૦ |
૧૧-૦૩-૨૦૨૪ |
૩૩૯.૩૯ |
રૂ.૩૩,૯૩,૭૦૦ |
૧૨-૦૯-૨૦૨૪ |
૨૫.૮૪૦ |
રૂ.૨,૫૮,૪૦૦ |
૨૩-૦૯ |
૭૦.૮૨ |
રૂ.૭,૮૦,૨૦૦ |
કુલ |
૫૨૭.૮૫ |
રૂ.૫૨,૭૮,૩૦૦ |