- જળસંચયના હેતુસર બનાવેલા ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થતો નથી
- ઉચ્છલ તાલુકાના પૂર્વનાં ગામોમાં મોટાભાગના વિસ્થાપિત ગામો છે
- વસવાટ કરતા રહીશો પ્લોટિંગની જમીનમાં આકાશી ખેતી કરતા આવ્યા
ઉચ્છલ તાલુકાના પૂર્વનાં ગામોમાં મોટાભાગના વિસ્થાપિત ગામો છે. જેમાં વસવાટ કરતા રહીશો પ્લોટિંગની જમીનમાં આકાશી ખેતી કરતા આવ્યા છે. જેઓને સિંચાઇ માટે કોઇ જ સ્રોત પૂરા પાડવામાં આવ્યા નથી. જેથી ચોમાસું પાક લીધા બાદ કોઇપણ ખેતઉપજ મેળવી શકાતી નથી. આ વિસ્તારમાં નદી-નાળાંઓમાં ચોમાસા દરમિયાન સંપૂર્ણ પાણીનો પ્રવાહ વહી ન જાય તે માટે ચેકડેમ યોજના હેઠળ ચેકડેમો બાંધવામાં આવ્યા છે. પરંતુ ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થતો જ નથી. ચોમાસા બાદ થોડા દિવસો સુધી ખાબોચિયામાં થોડું ઘણું પાણી રહ્યા બાદ ચેકડેમો સૂકાભટ બને છે. જિલ્લા અને તાલુકાના સિંચાઇ વિભાગ દ્વારા જળસંચયના ઓથા હેઠળ ફાળવાતા ચેકડેમોનું બાંધકામ એજન્સીઓને સોંપાયા બાદ જેની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં રહી જતી ત્રુટિઓને લીધે નબળું બાંધકામ આખરે યોજનાનું કચ્ચરઘાણ વાળે છે. ચેકડેમ નિર્માણમાં પાયાની કામગીરી જ નબળી થવાથી તેમજ પાણીનો પુરવઠો સંગ્રહ કરવાના સ્થળે ઝાડી-ઝાંખરા કે માટી-મોરમ-રેતીના થર જામેલા રહેતા હોવાથી જળસંગ્રહનો ઉદ્દેશ સાર્થક થતો નથી. ચોમાસા દરમિયાન નદી-નાળા-કોતરોમાં પાણીનો પુરવઠો સંપૂર્ણપણે વહી જતો હોય જેનો સંગ્રહ તકલાદી ચેકડેમો ઉચ્છલના પૂર્વના ગામોમાં કરી શકતા નથી. ચેકડેમોના માત્ર ખોખા બનાવી બિલ પાસ કરાવવાની મોટાભાગની લેભાગુ એજન્સીઓની રહી છે. ચેકડેમ યોજનામાં થતી ખોખલી કામગીરીએ ખેડૂતોના વિકાસમાં અવરોધ ઊભા કરી દીધા છે. માત્ર ખેડૂતો ચોમાસું ખેતી સિવાય અન્ય સિઝનના પાક લઇ શકતા નથી. સીમા વિસ્તારમાં ઘાસાચારાની શોધમાં પડાવ નાંખીને રહેતા પરપ્રાંતીય ઘેટાપાલકો પણ પાલતું પ્રાણીઓ માટે તેમજ સ્થાનિક પશુઓની તરસ છીપાવવામાં ચેકડેમો ઉપયોગી બની શક્યા નથી.
નબળી કામગીરી કરનારી એજન્સી સામે પગલાં લેવા જરૂરી
ઉચ્છલ તાલુકાના સામાજિક કાર્યકર્તા તથા વન્યજીવો પ્રત્યે દયા દાખવનારા પ્રકૃતિપ્રેમીઓએ જણાવ્યું હતું કે, તાલુકામાં આવેલા ચેકડેમોનું નિરીક્ષણ સિંચાઇ વિભાગ કરાવે અને જે એજન્સીઓએ નબળી કામગીરી કરી હોય તેઓ સામે પગલાં લેવાઇ તો જ આવનાર વર્ષમાં ચેકડેમ યોજનામાં થતી ગેરરીતિ ઉપર મહદઅંશે કાબૂ લાવી શકાશે, નહિતર યોજના માત્ર જવાબદારો અને એજન્સીઓનું હિત કરવા પૂરતી સીમિત બની રહેશે.