- પીવાના પાણીનો કકળાટ જ્યારે રસ્તા ઉપર પાણીનો ભરાવો
- છેલ્લા એક માસથી પાણીનો વેડફાટ છતાં જવાબદારો નિષ્ક્રિય સ્થિતિમાં
- જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો કાળો કેર વર્તાય રહ્યો
ઉચ્છલના મુખ્ય મથકે જ પીવાના પાણીનો કાળઝાળ ગરમીમાં વેડફાટ થતો રહ્યો છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઇ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું નથી. છેલ્લા એક માસથી ભંગાણ પડેલી પાઇપલાઇનમાંથી પાણી જાહેર રસ્તા ઉપર વહેતું રહેતા કાદવકીચડ અને ગંદકીએ માઝા મૂકી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો કાળો કેર વર્તાય રહ્યો છે. જ્યારે ઉચ્છલમાં સરેઆમ વ્યય થઇ રહ્યો છે.
ઉચ્છલમાં પોલીસ સ્ટેશનની બાજુમાં જ રસ્તાની સાઇડ ઉપરથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં છેલ્લા એક માસથી ભંગાણ પડયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન કામ કરનાર એજન્સીએ ક્ષતિ રહેવા દેતા જૂની પાઇપલાઇનમાંથી સીધો પાણીનો પ્રવાહ હવે રસ્તા ઉપર વહી રહ્યો છે. ટાંકીમાં પાણી સપ્લાય થાય છે. પરંતુ મોટા ભાગનો પાણીનો પુરવઠો રસ્તામાં જ વહેતો રહે છે. કાયમી બની ચૂકેલા પાણીના વેડફાટને લીધે આ જાહેર રસ્તા ઉપરથી અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહનચાલકો પણ ત્રસ્ત થઇ રહ્યા છે. ચોમાસા જેવી સ્થિતિ રસ્તાની કાદવકીચડગ્રસ્ત બની ચૂકી છે. પીવાના પાણીનો ખુલ્લેઆમ બગાડ થતો હોય જવાબદારો એકબીજા ઉપર ખો આપવાની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ હકીકતમાં પાણીનો વ્યર્થ બગાડ સામે ગંભીરતા દાખવવામાં આવે તેવી રહીશોની માંગણી રહી છે.
ઉનાળાની કારમી ગરમીમાં પીવાના પાણી માટે ડુંગરાળ વિસ્તારના ગામોમાં કંઇ કેટલા કિ.મી. પગપાળા ચાલીને ગૃહિણીઓ પાણી મેળવી રહી છે. જ્યારે ઉચ્છલ તાલુકાના મુખ્યમથક ઉચ્છલમાં પીવાના પાણીનો પુરવઠો રસ્તા ઉપર વહીને વેડફાઇ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગની ઘોર લાપરવાહીએ છેલ્લા એક માસથી પાણીનો વ્યય થતો રહ્યો છે. કામ કરનાર એજન્સીએ પાઇપલાઇનની કામગીરી દરમિયાન રાખેલા મોટા ગાબડાંની સ્થિતિ સામે પણ તંત્ર મૌન સેવી રહ્યું છે. જો સમગ્ર પાણી યોજનાની ઘનિષ્ઠ તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જોકે, ગામમાં પાણી સુવિધા માટે કરવામાં આવતી સરકારની યોજના હેઠળની કામગીરી આવકાર્ય છે, પરંતુ જેમાં પાણી જેવી કુદરતી સંપત્તિનો ખોટો વેડફાટ કરી જાહેર જનતા માટે રસ્તામાં કાદવકીચડ ફેલાવવા સામે રહીશોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે જવાબદારો સ્થળ નિરીક્ષણ કરી ભંગાણ પડેલી પાઇપલાઇનની મરામત કરવા તસ્દી લે તે જરૂરી છે.