- ડેમના મુખ્ય ગેટ નજીકથી લીધેલી સેલ્ફીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ
- લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ હોવા લોકોની અવરજવર જોવા મળી
- ઉકાઈ ડેમના દરેક ગેટ ઉપર 24 કલાક સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે
ઉકાઈ ડેમ તેમજ તેની ફરતેની બાઉન્ડ્રીની આસપાસ સામાન્ય લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ હોવા છતાં સોમવારે અહીંયાના વિસ્તારોમાં લોકોની અવરજવર જોવા મળી હતી. ડેમ હાઈએલર્ટ લેવલથી ત્રણ ફૂટ ઉપર હોવા છતાં લોકોની અવરજવર થતી હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરક્ષા વિભાગની ગંભીર બેદરકારી છતી થઈ છે. ઉકાઈ ડેમના દરેક ગેટ ઉપર 24 કલાક સુરક્ષાકર્મીઓ તહેનાત હોય છે. ખાસ કરીને ડેમના પાછળના ભાગે આવેલા ડુંગર અને જંગલ વિસ્તારમાંથી ડેમના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસણખોરી નહીં થાય તે માટે અહીંયા પણ સુરક્ષાકર્મીઓ 24 કલાક તહેનાત રહે છે. ઉકાઈ ડેમ સંવેદનશીલ વિસ્તાર હોવાથી ડેમના માટીયાર અને મેસનરી ભાગ (પાકા બંધ) પર સામાન્ય લોકોને અવરજવર કરવા ઉપર સખત મનાઇ છે. સામાન્ય લોકો સિંચાઈ વિભાગ કે સુરક્ષા અધિકારીની પરવાનગી લઈને ગેટ નંબર-1થી માત્ર વીઆઈપી રેસ્ટહાઉસ સુધી જઈ શકે છે. આ રેસ્ટહાઉસથી ડેમ ઉપર માત્ર સિંચાઈ વિભાગના સરકારી વાહનોને જ જવાની મંજૂરી છે.