- મહેમદાવાદના પ્રાચીન અને ઐતિહાસિકસ્મારકો જાળવણીના અભાવે નામશેષ થવાના આરે
- મહેમૂદ બેગડાએ ઈ.સ 1465માં મહેમદાવાદ (મહમદાબાદ) વસાવ્યું હતું
- મહેમૂદ બેગડાએ 1459થી 1511ના સમયગાળામાં પંચકુટી વાવનું નિર્માણ કરાવ્યું હતું
પ્રાચીન અને ઐતિહાસિક નગરી મહેમદાવાદની અવનવી વાતો ની જાણ કદાચ ઘણા ઓછા માણસોને હશે. મહેમદાવાદ નગરી એ ગુજરાત રાજ્યની રાજધાની રહી ચૂકી છે. જેને કારણે મહેમદાવાદનો ભૂતકાળમાં વિકાસ પોતાના ચરમ પર હતો. બહારથી વેપાર માટે આપતા લોકો મહેમદાવાદ નગરની વૈભવી વિરાસતથી અંજાઈ જતા હતા. ચાર પાંચ સદીઓ પહેલાના નિર્માણાધીન મહેલ, કૂવા, વાવની હાલ યોગ્ય માવજત ન હોવાને કારણે મહેમદાવાદની મહામૂલી વિરાસત લુપ્ત થવાને આરે આવી ગઈ છે.
અહેમદશાહે અમદાવાદના નામકરણ બાદ તેમના પૌત્ર મહેમૂદશાહ બેગડાએ મહેમદાવાદ શહેર વાત્રક નદીના કિનારે વસાવ્યું હતું. એ પહેલાં આ વિસ્તાર કુણાગામના સોલંકી ઠાકોરો, ઘોડાસરના ડાભી ઠાકોરો તેમજ મહીજ વગેરેના જાદવ રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ ઈ.સ.1465માં મહેમૂદ બેગડાએ મહેમદાવાદની સ્થાપના કરી હતી. મહેમૂદ બેગડાએ મહમૂદાબાદ શહેરમાં સરાહ, પુસ્તામહેલ, નગરના ચાર દરવાજા, વિરોલ દરવાજા, જુમ્મા મસ્જિદ જેવી ઐતિહાસિક ઇમારતો બનાવી હતી. તો શેરખાન ભાટીએ ભાટિયા વસાવ્યું, સૂજાખાને સૂજાખાનીયા પરુ વસાયું હતું. સૈયદ બુધારીએ સૈયદપુરા વસાવ્યું આ સિવાય અમીર ઉમરાવો અને વેપારીઓએ ભમ્મરિયા, કસારિયા, સોનારિયા પરા વિકસાવ્યા હતા. આહુખાના, મૃગોપવન, ચાંદ-સૂરજ ના મહેલ, ભમરિયો કૂવો, વાવ, દૂધિયું તળાવ, નગર ખાના, સાસુ વહુનું તળાવ વગેરે બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહમૂદાબાદ ઇ.સ.1547માં ગુજરાતનું પાટનગર બન્યું હતું. અને ઇ.સ.1554 સુધી પાટનગર રહ્યું હતું. હાલ ગુજરાતના પ્રાચીન પાટનગર મહેમદાવાદની હાલત દયનીય છે. તેની ધરોહરની જાળવણીના અભાવે આજે પ્રાચીન ઈમારતો ધીમે ધીમે નામશેષ થવાને આરે આવી ગઈ છે. જેની હજી પણ કાળજી રાખવામાં નહીં આવે તો તે ટૂંક સમયમાં લુપ્ત થઈ જશે કેટલીક ઇમારતોની બહાર માત્ર બોર્ડ છે. પરંતુ તેની જાળવણી મહેમદાવાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી જ નથી. વર્ષો પહેલાં બનાવાયેલી ઇમારતોમાંની કેટલીક તો હાલ એકદમ ખંડેર બની ગઈ છે. માત્ર અવશેષો બચ્યા છે તો જો બાકીની ઈમારતોની જાળવણી કરવામાં નહીં આવે તો તેની પણ હાલત ખંડેર જેવી બની જશે.
મહેમૂદ બેગડાનો મહેલ
વાત્રક નદીના કિનારે નગર વિકસાવવાનો વિચાર કરી મહેમદાવાદ શહેર વસાવનાર મહેમૂદ બેગડાનો મહેલ વાત્રક નદીના કાંઠે ટેકરી વિસ્તારમાં આવેલો છે. આ મહેલ હાલ માત્ર નામનો જ મહેલ કહેવાય છે. અહીં મહેલ નહીં માત્ર ખંડેરો આવેલા છે. મહેમદાવાદના છેવાડે આવેલા આ મહેલની છત, દીવાલો, દરવાજા તૂટી ગયા છે. પરંતુ હાલમાં પણ ઊભી રહેલી કેટલીક દિવાલો રાજવી ઠાઠની ગવાહી પૂરી પાડે છે. હાલમાં આ સ્થળે માત્ર પથ્થરો જે સ્થાપત્યના એટલે કે મહેલના તૂટેલા અવશેષો છે અને ત્યાં ખૂબ જ ઝાડીઓ ઉગી ગઈ છે.જેને કારણે આ સ્થાપત્ય વ્યવસ્થિત રીતે જોઈ પણ શકાતું નથી.
ભમ્મરિયો કૂવો
મહેમદાવાદથી ખેડા જવાના રોડ ઉપર ભમ્મરિયા કૂવાનું પંદરમી સદીમાં મહેમૂદ બેગડાએ નિર્માણ કરાવ્યું હતું. આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-G-J 143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ કૂવાની આસપાસ ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે. આ અષ્ટકોણ આકારનો કૂવો 36 ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે.હાલ આ કૂવામાં બે માળ સુધી બાંધકામ છે જ્યારે ત્રીજા માળે નીચે સંકળાયેલા પગથિયા કૂવામાં ઉતરે છે અને બે સીડીઓ ગોળ ફ્રતી હોવાથી એનું ભમ્મરિયો કૂવો નામ રાખ્યું હતું. જ્યારે સ્થાનિકોની વાત મુજબ આ કૂવામાં સાત સ્થભો નીચે સોનાની 7 દેગો રહેલી છે અને કૂવામાં અખૂટ સંપત્તિ સંતાડેલી છે. જેની દુર્દશા રોડ ઉપરથી જ જોવા મળે છે. સરકાર દ્વારા કૂવા ઉપર જાળી ઢાંકી દેવામાં આવી છે પરંતુ સ્થાપત્યને ફ્રતે ખૂબ જ ઘાસ, ઝાડીઓ ઊગી નીકળી છે. મુખ્ય રોડ ઉપર જ સ્થાપત્ય હોવા છતાં તેની ઉપર કોઈનું ધ્યાન પણ જતું નથી.
પંચકુટી વાવ
તરસ્યાઓને પાણીની પ્યાસ છુપાવવા માટે મહેમદાવાદ શહેરની મધ્યમાં મહેમૂદ બેગડાએ 1459થી 1511ના સમયગાળામાં પંચકુટી વાવનું નિર્માણ કરાવ્યું હતું. જેને કેન્દ્ર સરકારે રક્ષિત
ઇમારત જાહેર કરી છે. આ વાવની બાજુની દિવાલો કમળ સાંકળ સાથે અલંકૃત છે. અંદર ચાર ખૂણા, બાજુના થાંભલા અને મુગટ સાથેના ગવાક્ષમાં કલ્પવૃક્ષ છે. આવી સુંદર અને કલાકૃતિથી ભરપૂર વાવની જાળવણી કરવામાં સરકાર અને પાલિકા ઉણી ઉતરી છે. હાલ આ વાવ ભર બજારમાં હોવા છતાં અને તેની પાસે જ ઊભા રહ્યા હોઈએ તો પણ ખબર ના પડે તેવી સ્થિતિ હાલતમાં વાવની છે. વાવમાં ખૂબ જ ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે અને વાવને કચરાપેટી બનાવી દેવામાં આવી છે. આસપાસના રહીશો વાવમાં કચરો તેમ જ એઠવાડ નાખી સુંદર કલાકૃતિનું અપમાન કરે છે.