જામનગર: શિયાળો એટલે ખાવા-પીવા માટે શોખીન લોકોની ઋતુ. આ ઋતુમાં ભારે ખોરાક લેવામાં આવતો હોય છે. ચીકી, અડદિયા, ખજૂર પાક, ગુંદ પાક, સાલમ પાક સહિતના કેટલાય વસાણાં આપણી સામે ઉપલબ્ધ હોય છે. પરંતુ અમુક રોગના દર્દીઓએ આ પ્રકારની વાનગી ન ખાવી જોઈએ. કયા લોકોએ આવો ભારે ખોરાક ન ખાવો જોઈએ? અને સામાન્ય લોકોએ કેટલા પ્રમાણમાં આવો આહાર લેવો જોઈએ? આવો જાણીએ આયુર્વેદ નિષ્ણાત પાસેથી.
જામનગરમાં આવેલ આયુર્વેદ સંસ્થાન ITRA ના દ્રવ્ય ગુણ વિભાગના પ્રોફેસર અને હેડ વેદ્ય ભૂપેશ પટેલે જણાવ્યું કે, “શિયાળામાં વસાણાં અને ચીકીનું ઢગલાબંધ સેવન કરવામાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આદાન કાળ અને વિસર્ગ કાળ દરમિયાન શિયાળામાં ભારે આહાર પણ પચાવવો ખૂબ સરળ રહે છે અને આ દરમિયાન ખાવામાં આવેલ ખોરાકથી શરીરમાં આખા વર્ષનું ભાથું બંધાય છે અને વર્ષ દરમિયાન શક્તિ પ્રાપ્ત થાય છે. પરિણામે લોકો ઘી અને ગોળથી ભરપૂર વાનગીઓ આરોગતા હોય છે.”
ખાસ વાત એ છે કે અડદ અને ગોળ એ જેટલા શક્તિવર્ધક છે, તેટલા જ ખૂબ અઘરા પણ છે. જો શરીરનો અગ્નિ પ્રતિકૂળ હોય તો તે પચાવવા ખૂબ અઘરા બને છે, આથી ડાયાબિટીસ ઉપરાંત કફ સંબંધિત વ્યાધિઓ ભોગવતા દર્દીઓએ અડદિયા સહિતની વસ્તુથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત કૃમિ અને ઇન્ફેક્શન સહિતની સમસ્યાઓ સામે જે ઝઝૂમતા લોકોએ પણ આ મધુર રસથી ભરપૂર અડદિયાનું સેવન ટાળવું જોઈએ. બીજી વાત એ પણ છે કે જે લોકો સામાન્ય અગ્નિ અને પાચનક્રિયા ધરાવે છે તેવા લોકોએ પણ અડદિયાનું વધુ પડતું સેવન કરવું જોઈએ નહીં. ઉલટાનું વહેલી સવારે થોડા પ્રમાણમાં જ આ વસાણાનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો:
આહીરાણીઓ પરંપરાગત પોશાક અને સોનામાં સજ્જ થઈ રમી રાસ
પ્રાકૃતિક રીતે અને પાચનશક્તિ પ્રમાણે શિયાળામાં આ પ્રકારનો ભારે આહાર લેવો આવશ્યક બાબત છે. પરંતુ પાચન અને શરીરની અગ્નિ ઉપર આધાર રાખી અને માત્રામાં જ હંમેશા આહાર લેવો જોઈએ. આ ઉપરાંત જે લોકોના શરીરનો અગ્નિ મંદ હોય તેવા લોકોએ અડદના સ્થાને મગ અને મગમાંથી બનાવેલ વાનગીઓનું પણ સેવન કરવું જોઈએ. કારણ કે તે પચવામાં અડદની સરખામણીએ સહેલા છે. આમ ન માત્ર અડદિયા, ચીકી તેમજ ખજૂર પાક સહિતની વાનગી પચવામાં જે યોગ્ય હોય અને શરીરની પ્રકૃતિને માફક આવે તેવો ખોરાક જ લેવો જોઈએ, તેવું આયુર્વેદિક નિષ્ણાતો સલાહ આપે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર