Last Updated:
સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણાદાસજી દ્વારા શ્રીકૃષ્ણ પર જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ‘સ્વામી જ્યાં સુધી દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી માફ નહીં કરે.’
કચ્છ: સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણાદાસજી દ્વારા શ્રી કૃષ્ણ પર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મામલો ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પહેલાથી ભક્તોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વધુમાં હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ‘આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે.’ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ‘ધર્મ માટે જરૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે.’
વાત આટલેથી પૂરી નથી થતી કારણ કે મણિધરબાપુએ જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં તેમણે બફાટ કરનાર સ્વામી પર તેમનો બરોબરનો રોષ ઠાલવ્યો અને કહ્યું કે, ‘આ લોકો આતંકવાદી છે.’ સાથે જ તેમણે કહ્યું કે, ‘બફાટ કરનાર સ્વામી જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માગે ત્યાં સુધી તેઓ માફ નથી કરવાના અને આગામી દિવસોમાં તેઓ ઉપવાસ પર બેસશે.’
નીલકંઠ ચરણસ્વામીની શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્રસ્વરૂપ લીધું#Breakingnews #Gujaratinews #News18Gujarati pic.twitter.com/9pfBY7NmiT
— News18Gujarati (@News18Guj) March 27, 2025
આપને જણાવી દઈએ કે મણિધરબાપુનો બનાવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં યુઝર્સ પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે. સમગ્ર મામલે તેમણે બફાટ કરનાર સ્વામીને આડે હાથ લીધા જેમાં વીડિયોમાં તેઓ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા. જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. થોડાક દિવસો પહેલા જ સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો હતો. સાથે જ વિરપુરમાં પરિસ્થિતિ વણસી હતી. ત્યારે વધુમાં ફરી એક સ્વામી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. જેને લઈને હવે મામલો ગરમાયો છે.
March 27, 2025 8:58 PM IST