મુંબઈ : વર્તમાન વર્ષના નવેમ્બરમાં દેશમાંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૧૩ ટકા ઘટી રૂપિયા ૧૬૭૬૩.૧૩ કરોડ રહી હતી. ગયા વર્ષના નવેમ્બરમાંઆંંક ૧૯૦૦૫.૪૬ કરોડ રહ્યો હતો એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ડેટા જણાવે છે. હીરાની નિકાસમાં ૪૦ ટકા ગાબડું જોવા મળ્યું છે. જો કે ઊંચા ભાવને કારણે ગોલ્ડ જ્વેલરીનો નિકાસ આંક ઊંચો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં આર્થિક અનિશ્ચિતતાને કારણે માગમાં અસ્થિરતા જોવા મળી રહી છે જેની અસર વેપાર પર પડી છે.
દેશમાંથી કટ તથા પોલિશ્ડ હીરાની નિકાસ પણ ૪૦ ટકા જેટલી ઘટી રૂપિયા ૫૬૨૨.૧૧ કરોડ રહી હતી જે ગયા વર્ષના નવેમ્બરમાં રૂપિયા ૯૨૧૭.૮૮ કરોડ જોવા મળી હતી.
રફ હીરાની કુલ આયાત ૨૧ ટકા ઘટી રૂપિયા ૫૮૨૨૩.૩૬ કરોડ રહી હતી, જે ગયા વર્ષના નવેમ્બરમાં રૂપિયા ૭૨૬૮૪ કરોડ રહી હતી એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાને પરિણામે ગ્રાહકો હીરાની ખરીદીમાં સાવચેતી ધરાવી રહ્યા છે. આમપણ હીંરામાં ઈન્વેસ્ટમેન્ટસ માગ નબળી રહે છે, કારણ કે તેમાં રોકાણ પર ખાસ ઉપજ થતી નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની ક્રિસમસને લગતી માગ સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં જોવા મળતી હોય છે.
ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૪૦.૫૦ ટકા જેટલી નોંધપાત્ર વધી રૂપિયા ૯૫૫૮.૪૪ કરોડ રહી છે જે ગયા વર્ષના નવેમ્બરમાં રૂપિયા ૬૭૧૨.૫૩ કરોડ જોવા મળી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે. સોનાના ઊંચા ભાવને કારણે નિકાસ આંક ઊંચો જોવા મળી રહ્યો છે. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે આમપણ સોનામાં રોકાણ માટે આકર્ષણ રહે છે. અનિશ્ચિત સમયમાં ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ સેફ હેવન માનવામાં આવે છે.
હાલની ભૌગોલિકરાજકીય તાણ દેશના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું.