આણંદ શહેરમાં 3,990 પોસ્ટ પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવાયા | 3 990 post paid smart electricity meters installed in Anand city

HomeBHAVNAGARઆણંદ શહેરમાં 3,990 પોસ્ટ પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવાયા | 3 990...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– ગ્રાહકોના વિરોધના પગલે પ્રિ-પેઈડના બદલે પોસ્ટ પેઈડ મીટર લગાવવાનો નિર્ણય

– જિલ્લામાં 10 લાખથી વધુ વીજ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર લગાવાશે : જાન્યુઆરી-૨૦૨૫થી તબક્કાવાર પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી શરૂ થશે

આણંદ : આણંદ સહિત રાજ્યભરમાં પ્રિ-પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થતાં જ વીજ ગ્રાહકો દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાયો હતો.વીજ ધારકોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા પ્રિ-પેઈડના બદલે પોસ્ટ પેઈડ વીજ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે આણંદ શહેરમાં અત્યારસુધીમાં ૩,૯૯૦ પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આગામી સમયમાં ૧૦ લાખથી વધુ વીજ ગ્રાહકોને પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે.

એમજીવીસીએલ તંત્ર દ્વારા એપ્રિલ-૨૦૨૪માં આણંદના શાસ્ત્રી ડિવિઝન હસ્તકના ૬ વિસ્તારમાં ૩૩ હજાર વીજ ગ્રાહકોના સર્વેની કામગીરી પૂર્ણ કરી, સરદાર ડિવિઝનના ૪૨ હજાર વીજ ગ્રાહકોના સર્વેની કામગીરી હાથ ધરી હતી. તેમજ પ્રથમ તબક્કામાં ૧૦ હજારથી વધુ ઘરોમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. 

તેવામાં વડોદરા સહિતના પંથકમાંથી સ્માર્ટ વીજ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠતાં આણંદ સહિતના શહેરોમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર લગાવવાનો વિરોધ ઉઠયો હતો. કેટલીક વખત ઘર્ષણના બનાવો બનતા એમજીવીસીએલ દ્વારા જે-તે સમયે થોડા સમય માટે કામગીરી મોકુફ રાખી હતી. 

બોરસદ એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર રોનાલ્ડ મેકવાને જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ૭૮ હજારથી વધુ રેસીડેન્સ, ૫૫૧ ટેમ્પરરી, ૧૨૧ હાઈટેન્શન, ૨૯૬ એગ્રીકલ્ચર, ૯૭૩ કોમર્શીયલ, ૧૨૧૦ નાના ઈક્વીપમેન્ટ ધરાવતા વીજ કનેક્શન અને ૨૨,૪૨૧ ઔદ્યોગિક વીજ કનેક્શન મળી કુલ ૧.૧૪ લાખ વીજ ગ્રાહકો છે. બોરસદ તાલુકાના ૬ ડિવિઝનમાં અંદાજિત ૧.૬૦ લાખ વીજ કનેક્શન છે અને સમગ્ર આણંદ જિલ્લામાં ૧૦ લાખથી વધુ વીજ ગ્રાહકો છે. વીજ ગ્રાહકોએ પ્રિ-પેઈડ વીજ મીટરમાં ખામીઓ હોવાની રજૂઆત કરી જૂના મીટર નાખવા માંગ કરી હતી. પરિણામે વીજ તંત્ર દ્વારા ગ્રાહકોને ફરિયાદોને ધ્યાને લઈને પ્રિ-પેઈડના બદલે પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આણંદમાં સ્માર્ટ મીટર યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરી, રેલવે કોલોની સહિતના સ્થળોએ અત્યારસુધીમાં ૩,૯૯૦ પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર બેસાડવામાં આવ્યા છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાના સ્માર્ટ મીટરના કનેક્શનની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. ત્યારબાદ શહેરી વિસ્તાર અને જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫થી તબક્કાવાર પોસ્ટ પેઈડ સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી શરૂ થશે. 

કોન્ટ્રાક્ટ પદ્ધતિના લીધે વીજ વિભાગના કર્મીઓની નોકરી પર સંકટની ભીતિ

રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવી રહી છે. એમજીવીસીએલના કર્મચારીઓના બદલે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા પોસ્ટ પેઈડ મીટર બેસાડવામાં આવી રહ્યા છે. વીજ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજ મીટર બેસાડવાની કામગીરી બાદ એમજીવીસીએલમાં રોજગારીની તકો પણ ઓછી થઈ જશે, વીજ બિલ બનાવનાર, વીજ બિલ કલેક્શનની કામગીરી કરનારની કામગીરી નહિવત થઈ જશે. જેથી કર્મચારીઓની નોકરી ઉપર પણ સંકટ થઈ શકે તેવી સંભાવનાઓ છે. 

પહેલા નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો : વીજ ગ્રાહકો

આણંદના વીજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે, એમજીવીસીએલએ જિલ્લાના તમામ ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, સભ્યો, પાલિકાના પ્રમુખ અને સભ્યોને ત્યાં સ્માર્ટ વીજ મીટર બેસાડવા જોઈએ અને તેમને બિલ બરાબર આવે છે કે નહીં તેની ખબર પડે પછી સામાન્ય લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. 

વીજ ગ્રાહકોના વિરોધના પગલે આણંદમાં ચેક મીટર મૂકવામાં આવ્યા 

સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠતા વીજ કંપની દ્વારા આણંદમાં ચેક મીટર મૂકવામાં આવ્યા છે. જેમાં સ્માર્ટ વીજ મીટર સાથે જૂનું મીટર રાખવામાં આવે છે. જેથી બંને મીટરમાં સરખું બિલિંગ થાય છે કે નહીં તે ગ્રાહક જાતે ચેક કરી શકે છે. તેમજ મોબાઈલમાં એપ ડાઉનલોડ કરીને સ્માર્ટ મીટરમાં દર અડધા કલાકે વીજ વપરાશનો ડેટા જાણી શકે છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon