– મોડી સાંજે સ્ટેટ અને વડોદરા ડિવિઝનની દસ ટીમો ત્રાટકી
– આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા કાપડના વેપારીઓની દુકાનોમાં સ્ટોક, ખરીદ-વેચાણના બિલો, કોમ્પ્યુટરની તપાસ, કરોડોની કરચોરી બહાર આવવાની સંભાવના
આણંદ : લગ્નસરાની સિઝન વચ્ચે આણંદ શહેરના કાપડના વેપારીઓ સહિત ૧૦ સ્થળોએ ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગની ટીમે દરોડા પાડયા હતા. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણે બિલો, બેંક ખાતા, કમ્પ્યુટરના ડેટા સહિતના તપાસ હાથ ધરવામાં આવતા કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સ્ટેટ જીએસટી અને વડોદરા જીએસટી વિભાગના અધિકારીઓની ૧૦થી વધુ ટીમે ગુરૂવારે મોડી સાંજે આણંદ શહેરના ૧૦ સ્થળો પર દરોડા કર્યા હતા. શહેરની મુખ્ય બજાર ગણાતા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી રેડીમેડ કપડાની દુકાનો સહિત શહેરના અન્ય મોટા ગજાના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. જીએસટી અધિકારીઓ દ્વારા બંધ બારણે સ્ટોકની માહિતી, ખરીદ-વેચાણના બિલોની ચકાસણી, બેંક એકાઉન્ટની વિગતો, કમ્પ્યુટરના ડેટાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે અનેક બેનામી વ્યવહારો અને કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તેમજ જીએસટી વિભાગને કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લગ્નસરાની સિઝનમાં જીએસટી વિભાગે એકાએક દરોડો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દરોડાની જાણ થતાં જ ગારમેન્ટના કેટલાક વેપારીઓ દુકાન બંધ કરીને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કેટલા રૂપિયાની ટેક્સ ચોરી પકડાઈ છે તે અંગે જીએસટી વિભાગ દ્વારા હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.