- આણંદ નગરપાલિકાએ જમીન ફાળવણીનો ઠરાવ કર્યો
- એસટી વિભાગે કબ્જો ન લેતા કામગીરી ટલ્લે ચઢી
- સુવિદ્યાસજ્જ એરપોર્ટ કક્ષાનુ એસટી બસ મથક મુસાફરો માટે દિવાસ્વપ્ન બન્યુ છે
આણંદ સિવિલ હોસ્પિટલની જગ્યા ફાળવણીના મુદ્દે છેલ્લા 10 વર્ષથી ચલકચલાણાની રાજૉનીતિુ ચાલતી હતી. આખરે જમીન ફાળવાઇ છે. ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ માટેની જમીનને લઇને નવનિર્માણની કામગીરી ખોરંભે પડી હોવાનુ બહાર આવ્યુ છે. નગરપાલિકાએ એસટી નિગમને જમીન ફાળવણીનો ઠરાવ કરી દીધો છે. પરંતુ નિગમ દ્વારા કબ્જો મેળવવાની દરખાસ્ત વચ્ચે કામગીરી ટલ્લે ચઢતા અત્યાધુનિક સુવિદ્યાસજ્જ એરપોર્ટ કક્ષાનુ એસટી બસ મથક મુસાફરો માટે દિવાસ્વપ્ન બન્યુ છે આણંદ શહેરમા વર્ષ 2002મા ગોધરાકાંડ બાદ શહેરની મધ્યમા આવેલા જુના બસ સ્ટેશનને સલામતીના કારણોસર તત્કાલિન ગોયાતળાવ સામે આવેલી નગરપાલિકાની જગ્યામાં ખસેડવાની ફરજ પડી હતી. જેને લઇને શહેરમાં આવન-જાવન કરતી મોટાભાગની એસટી બસોનુ નવા બસ સ્ટેશનથી સંચાલન થતુ રહ્યુ છે. જોકે પાલિકાની જગ્યામા કાર્યરત બસ સ્ટેશનનુ સ્ટ્રકચર કામચલાઉ ધોરણે ઉભુ કરવામા આવ્યુ હોઇ તેમા બેઠક વ્યવસ્થા, પીવાલાયક પાણી, પાકા શૌચાલય, પંખા, વીજળી, રીફ્રેશર રૂમ, ઉપહારગૃહ, પાર્િંકગની આધુનિક અને પુરતી સુવિદ્યાઓનો અભાવ પ્રર્વર્તી રહ્યો છે. ત્યારે દિવસ દરમ્યાન મોટી સંખ્યામા એસટી બસો તેમજ હજારો મુસાફરોની અવરજવરથી ધમધમતા નવા એસટી બસમથકના સુવિદ્યાસજ્જ આધુનિક બિલ્ડીંગના નિર્માણ માટે ગાંધીનગર કક્ષાએથી કવાયત હાથ ધરાઇ હતી. પરંતુ જમીન નગરપાલિકાની માલિકીની હોઇ નગરપાલિકાએ આ જમીન એસટી બસમથકના નિર્માણ માટે ઠરાવ કરી દીધો છે. પરંતુ નિગમ દ્વારા જમીનના વિધીવત કબ્જાના દરખાસ્તની પ્રક્રિયામા કામગીરી અટવાઇ છે. જેને પગલે બસમથકના નિર્માણની કામગીરી સિવિલની જેમ જ જમીન ફાળવણીના મુદ્દે બાય બાય ચારણી થતી હોવાનો ઘાટ સર્જાયો છે. જયારે બીજી તરફ થોડા સમય પુર્વે ગૃહ અને વાહન વ્યવહાર મત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી એસટી ડેપોની મુલાકાત લઇને ત્વરિત મુસાફરોની સુવિદ્યા માટે સાફસફાઇ, પંખા કાર્યરત કરવા આદેશ કર્યો હતો. પરંતુ લાંબો સમય વીતવા છતાંપણ સુવિદ્યાનો અભાવ વર્તાઇ રહ્યો છે.