– માસિક એક હજારની સહાય ચૂકવાય છે
આણંદ : કેન્સરના નોંધાયેલા દર્દીઓને માસિક રૂ.૧ હજારની સહાય ચૂકવાય છે. આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ની કેન્સરના ૫૭૮ દર્દીઓની અંદાજિત રૂ. ૬૯.૩૬ લાખની રકમની ફાળવણી થઈ ન હોવાથી આરોગ્ય વિભાગે સરકારમાં ગ્રાન્ટની માંગ કરી છે.
સરકાર દ્વારા કેન્સરના દર્દીઓને માસિક રૂ. ૧ હજારની સહાય ચૂકવવામાં આવે છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા ૫૭૮ કેન્સરના દર્દીઓને વર્ષ ૨૦૨૩-૨૪ની સહાય ચૂકવવામાં આવી નથી. અંદાજિત રૂ. ૬૯.૩૬ લાખ જેટલા રૂપિયાની સહાય ચૂકવવાની બાકી છે.
બોરસદના કેન્સરના દર્દીએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડથી ઓપરેશન અને સારવાર મફત કરવામાં આવે છે, ઉપરાંત આવવા-જવાનું ભાડુ પણ આપવામાં આવે છે. તેમજ જ્યાં સુધી સારવાર ચાલુ હોય ત્યાં સુધી માસિક રૂ.૧ હજારની સહાય પણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી આ સહાય આપવામાં આવી નથી. આ અંગે તાલુકા પંચાયતના આરોગ્ય ખાતામાં પુછપરછ કરીએ ત્યારે આગળથી ગ્રાન્ટ આવી નથી તેવો જવાબ આપવામાં આવતો હોવાનું ઉમેર્યું હતું.
આણંદના એક કેન્સર સર્જને જણાવ્યું હતું કે, દારૂ અને તમાકુનું વ્યસન ધરાવતા વ્યક્તિઓમાં ગાલ અને લીવરના કેન્સરની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. કેન્સરના દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવે છે. તે માટે તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ઓફિસમાં કેન્સરના દર્દીઓએ ફોર્મ ભરવુ જરૂરી હોય છે, આ ફોર્મના આધારે જ નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.
ગ્રાન્ટ ફાળવવા સરકારમાં ડિમાન્ડ લખીને મોકલી છે
બોરસદ તાલુકાના આરોગ્ય અધિકારી રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં તબીબી સહાયની વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટ બાકી છે. જેમણે ફોર્મ ભરેલું હોય અને સારવાર ચાલતી હોય તેમને મહિને રૂ.૧ હજાર ચૂકવાય છે. હાલ માત્ર રૂ.૯ લાખની ગ્રાન્ટ આવી છે. જેમાં બોરસદ તાલુકામાં રૂ.૧.૫ લાખની ફાળવણી કરાઈ છે પરંતુ બેંક એકાઉન્ટમાં હજૂ સુધી આવી નથી. દર્દીઓ માટે સરકારમાં ગ્રાન્ટ ફાળવવા માટે ડિમાન્ડ લખીને મોકલી આપી છે. જે ફાળવવામાં આવશે એટલે તમામ દર્દીઓને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવશે.
ગત વર્ષે 9 લાખની સહાય આવી હતી
આણંદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દીપક પરમારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સારવાર ચાલુ હોય ત્યાં સુધી દર્દીઓને માસિક એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે સહાયની ડિમાન્ડ સરકારના આરોગ્ય વિભાગમાં અમે લખીને મોકલી આપતા હોય છીએ. ત્યાંથી સહાય આવ્યા બાગ ચૂકવણી કરતા હોઈએ છીએ. ગત વર્ષે નવ લાખની સહાય આવી હતી, જે દર્દીઓને ચૂકવી આપી હતી.
આણંદ જિલ્લામાં કેન્સરના દર્દીઓની
સંખ્યા
તાલુકો |
દર્દીની |
આણંદ |
૭૯ |
પેટલાદ |
૭૬ |
સોજિત્રા |
૪૭ |
ખંભાત |
૧૦૪ |
ઉમરેઠ |
૯૬ |
આંકલાવ |
૩૦ |
તારાપુર |
૪૨ |
બોરસદ |
૧૦૪ |
કુલ |
૫૭૮ |