Engineer’s Day 2024: દર વર્ષે 15મી સપ્ટેમ્બરના દિવસને એન્જિનિયરિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સિવિલ એન્જિનિયર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યોગદાન આપવા માટે જાણીતા ભારતીય એન્જિનિયર મોક્ષગુડમ વિશ્વેશ્વરૈયાની જન્મજયંતીની યાદમાં ઈ.સ. 1968થી ઉજવવામાં આવે છે. દેશના વિકાસ માટે એન્જિનિયરનો ફાળો ખૂબ જ મોટો અને ઉપયોગી રહ્યો છે. ત્યારે આજે અમે ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ કે જેણે અનેક નામી-અનામી એન્જિનિયર દેશને ભેટ આપી છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
4 જૂન 1948ના રોજ શરૂ થઈ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય
ભારત આઝાદ થયા બાદ ગુજરાતમાં સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય અને બાદમાં લાલાભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની પ્રથમ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય 4 જૂન 1948ના રોજ નિર્માણ પામી હતી. આ એન્જિનિયરિંગ કોલેજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભાઈકાકાની પ્રેરણા તથા ઘનશ્યામદાસજી બિરલા દ્વારા આપવામાં આવેલ 25 લાખના દાનના યોગદાનથી શરૂ થઈ હતી. 60000 સ્ક્વેર ફૂટમાં સ્થપાયેલ બી.વી.એમ. આજે 3,50,000 સ્ક્વેર ફૂટની હરિયાળી કેમ્પસમાં વિવિધ પ્રકારના એન્જિનિયરિંગના કોર્સ ચલાવી રહી છે. આ કોલેજે અનેક મહાન એન્જિનિયર દેશને આપ્યા છે.
બી.વી.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ઇન્દ્રજીત પટેલે ’’લોકલ 18’’ને જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભાઈકાકાને ગામડામાં લોકોને સારું શિક્ષણ અને બધી સુવિધા મળી રહે તે માટે નોકરી છોડીને આવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ભાઈકાકા અને સરદાર પટેલ દ્વારા ચરોતર વિસ્તારના ગામડાના યુવાનોને એન્જિનિયરિંગનું શિક્ષણ પોતાના જ વતનમાં મળી રહે તે માટે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. જે તે સમયે આ કોલેજ બનાવવા માટે ચરોતરના ખેડૂતો દ્વારા જમીન દાનમાં આપવામાં આવી હતી.
બી.વી.એમ.નું સ્ટ્રક્ચર અને બાંધકામ સિવિલ એન્જિનિયર એવા ભાઈકાકા દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે તે સમયે દરેક વસ્તુ જગ્યા બાંધકામના સ્થળે બનાવીને જ ઉપયોગમાં લેવામાં આવી હતી. જેમાં ઈંટના ભઠ્ઠા, લાકડા વહેરવા, ફર્નિચરનું કામ, બાંધકામ માટેની દરેક વસ્તુઓ કોલેજના કેમ્પસમાં જ બનાવીને નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે આ કોલેજનું ઉદઘાટન બ્રિટિશ શાસકના અંતિમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ફક્ત આણંદમાં એન્જિનિયરિંગ કોલેજ હોવાના કારણે ગુજરાતને સાથોસાથ આજુબાજુના રાજ્યમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા.
કોલેજ માટે ખાસ શિક્ષકો લાવવામાં આવ્યા હતા
ભાઈકાકા દ્વારા આ કોલેજ માટે ખાસ કરાચીથી એસ.બી. જુન્નારકરની સાથે 18 જેટલા તજજ્ઞોને શિક્ષક તરીકે લાવીને કોલેજ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ પ્રિન્સિપાલ તરીકે એસ.બી. જુન્નારકરની નિમણૂક કરવામાં આવી હતી. કોલેજની શરૂઆતમાં ત્રણ યુ.જી. પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે 300 જેટલા વિદ્યાર્થી અને 30 જેટલા પ્રાધ્યાપકથી કોલેજ શરૂ કરવામાં આવી હતી. આજે અહીં 8 યુ.જી. પ્રોગ્રામ, 8 પી.જી. પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જ્યાં 300થી પણ વધુ પ્રોફેસર 3200થી વધુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.
પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું હતું કે, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓએ દેશનું નામ રોશન કર્યું છે. જેમાં એલ એન્ડ ટીના અધ્યક્ષ અનિલ નાયક, યુ.જી.સી.ના ચેરમેન એસ.કે. ખન્ના, બી.એ.પી.એસ.ના ડૉ. જ્ઞાન વત્સલ સ્વામી, એલીકોનના અશ્વિન પટેલ, કેડબરીના મિસ્ટર ઐયર વગેરે જેવા નામી એન્જિનિયરનો સમાવેશ થાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર