આણંદ: સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદ થવાના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. તે જ રીતે આણંદ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલ જિલ્લાની શું સ્થિતિ છે તે જાણીએ.
આણંદ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી થઈ રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં 12 ઈંચ, સોજીત્રામાં 10 ઈંચ, ઉમરેઠમાં 7 ઈંચ, પેટલાદમાં 9 ઈંચ, ખંભાતમાં 12 ઇંચ, બોરસદમાં 12 ઇંચ, આંકલાવમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
વરસાદને લઈ આણંદ જિલ્લાના ભાલેજના રહેવાસી અર્પિતાબેન પરમારે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 36 કલાક દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ હોવાના કારણે ભાલેજ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ગામથી બજાર સુધી જવા માટે પાણીમાં ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેનો મુખ્ય કારણ વરસાદની સાથે સાથે ત્યાં આવેલ મલાઈ તળાવ ફાટવાનું પણ છે.
આ ઉપરાંત ડાકોરમાં આવેલી શેઢી નદીનું પાણી પણ આ તરફ આવતું હોવાના કારણે પાણી ઉતરવાનું નામ લઇ રહ્યું નથી.’
ભાલેજમાં રહેતા લોકોમાંથી ઘણા ખરા લોકો આણંદમાં નોકરી ધંધો કરતા હોવાના કારણે તેમને દોઢથી બે કિલોમીટર જેટલું અંતર ચાલીને પાણીમાં કાપીને પછી પોતે પોતાનું વાહન લઇને કામ ધંધે જવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયું હોવાથી અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
અર્પિતાબહેને જણાવ્યું હતું કે, ‘ભારે વરસાદ થવાના કારણે છેલ્લા 2 દિવસથી અંધારપટ છવાયો છે. લાઈટ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી સહેન કરવાનો વારો આવ્યો છે.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર