- ગેરકાયદે લાખ્ખોનું ઈન્સેન્ટિવ મળ્યું પણ ટ્રસ્ટીઓ મૌન રહ્યાં
- ચેરિટી કમિશનરે તમામ ટ્રસ્ટી-વહીવટદારોને હાજર રહેવા નિર્દેશ આપ્યો
- કેટલાક હોદ્દેદારોના આંતરિક ગજગ્રાહમાં ઇરમા વિવાદનુ કેન્દ્ર બન્યુ છે
આણંદની રાષ્ટ્રીય સ્તરની ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ-ઇરમાના નિયમ વિરુદ્ધ નિમણુંક પામેલા ડાયરેક્ટર દ્વારા ગેરકાયદેસર નાણાંકીય વ્યવહાર કરતાં 53.48 લાખની વસુલાત કરવા મદદનીશ ચેરીટી કમિશનર આણંદ દ્વારા 15 હોદ્દેદારોને નાણાં વસુલાત માટે શૉ કોઝ નોટીસ ઈશ્યૂ કરીને આ મુદ્દે 15 માર્ચે હાજર રહી ખુલાસો કરવા આદેશ કરાયો છે. ત્યારે અગ્રગણ્ય સંસ્થામાં નિયમભંગ કરીને નિયુક્ત કરાયેલ ડાયરેકટર દ્વારા આચરવામા આવેલ ગેરરીતિને પગલે હલચલ મચી જવા પામી છે. તદુપરાંત બોર્ડ ઓફ ગર્વનર્સના સભ્યો પાસેથી પણ નાણાં કેમ વસુલાત ન કરવાની શૉકોઝ પાઠવતા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામા નાણાંકીય ગેરરીતિનો કિસ્સો બહાર આવતા જ તેના ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે.
છેલ્લા કેટલાક સમયથી કેટલાક હોદ્દેદારોના આંતરિક ગજગ્રાહમાં ઇરમા વિવાદનુ કેન્દ્ર બન્યુ છે. ત્યારે વર્ષ 2016-17માં નિયમોનો છેદ ઉડાડીને ડાયરેક્ટર તરીકે નિમણુંક પામેલા પગાર ઉપરાંત ઇન્સેટિવ મેળવતા હિતેશ ભટ્ટ દ્વારા ટ્રસ્ટના નાણાંનો ગેરકાયદેસર નાણાંકીય વ્યવહાર થયો હોવાનુ માલુમ પડતા રામમોહન વિકાસે આક્ષેપ કરીને મદદનીશ ચેરિટી કમિશ્નર સમક્ષ ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ 1950ની કલમ 38 હેઠળ દાદ માંગવામા આવી હતી. છતા ટ્સ્ટી કે ઇરમાના વહીવટદાર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા તેઓની બેદરકારી, નિષ્કાળજી, વિશ્વાસભંગ, મિલ્કત કે સત્તાનો ગેરઉપયોગ કે દુરુપયોગ થયાનુ જણાતા નુકસાનીની વસુલાત માટે જવાબદાર હિતેશ ભટ્ટ સહિત સંસ્થાના 14 ટ્સ્ટીઓને શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.