આણંદ: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, તે કહેવતને સાચી પાડીને આણંદના રાજુભાઈ મારવાડીએ નામ રોશન કર્યું છે. પોતાની શારીરિક ક્ષમતાને વધારીને રાજુભાઈએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઇનામ તથા મેડલ મેળવીને નામ રોશન કર્યું છે. રાજુભાઈ મારવાડીને પગમાં તકલીફ હોવાના કારણે બંને પગથી બેલેન્સ કરવામાં પરેશાની થતી હતી. જોકે, તમામ પરિસ્થિતિઓનો સામનો કરી રાજુભાઈએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ પરિવારનું નામ રોશન કર્યું છે.
પ્રોત્સાહન મળતા બોડી બિલ્ડીંગ માટેની શરૂઆત કરી
આ અંગે રાજુભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, આણંદમાં તેઓ પોતાનું ઓટો ગેરેજ ચલાવી રહ્યા છે. જોકે, આજથી સાત-આઠ વર્ષ પહેલાં તેમને પગમાં તકલીફ હોવાના કારણે શરીર બેલેન્સમાં રહેતું ન હતું. આ પરિસ્થિતિમાં તેમણે એક્સરસાઇઝ કરીને આ સમસ્યાને દૂર કરવાની શરૂઆત કરી હતી. જેમાંથી જીમમાં રહેલ સી. કે. પટેલ દ્વારા પ્રોત્સાહન મળતા તેમણે બોડી બિલ્ડીંગ માટેની શરૂઆત કરી હતી. જોકે તેમને વિકલાંગ માટે પણ બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાય છે તેવી જાણકારી મળતા તેમણે તેમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે રાજ્યકક્ષાએ વિવિધ જગ્યાએ બોડી બિલ્ડિંગમાં અલગ અલગ મેડલ તેમજ ઇનામ મેળવીને નામ રોશન કર્યું છે.
ઓટો ગેરેજની સાથે સાથે પોતાનું જીમ ચલાવે છે
વડોદરા, વલસાડ, સુરત, ઓરંગાબાદ સહિત મુંબઈના ગોરેગાંવ યોજાયેલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ મેળવીને પોતાની કમજોરીને તાકાતમાં બદલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં માતા-પિતા, બહેન છે. જોકે, ઘરનું ગુજરાન તેઓ ઓટો ગેરેજ ચલાવીને પૂરું કરે છે. ફક્ત પાંચ ધોરણ સુધી ભણેલ રાજુભાઈને પગમાં તકલીફ પડતાં તેમણે શારીરિક ક્ષમતા વધારવાના વિકલ્પને પસંદ કર્યો હતો. આજે તેઓ ઓટો ગેરેજની સાથે સાથે પોતાનું જીમ પણ ચલાવી રહ્યા છે. દરરોજ સવારથી બપોર સુધી ગેરેજનું કામ કરીને બાકીનો સમય જીમમાં જાય છે. જ્યાં 20 થી 25 જેટલા યુવાનોને ટ્રેન કરવાની સાથે સાથે પોતે પણ એક્સરસાઇઝ કરીને બોડી બિલ્ડિંગ મેન્ટેન કરે છે.
બોડીને આ રીતે બનાવો મજબૂત
બોડી બિલ્ડિંગ માટે સખત મહેનત અને અનુશાસન જરૂરી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 7-8 વર્ષથી તેઓ દરરોજ બેથી અઢી કલાક જેટલા વ્યાયામ અને જીમમાં અલગ અલગ પ્રકારની કસરત કરીને પોતાના બોડીને મજબૂત તથા શેપમાં લાવે છે. સાથે સાથે જ્યારે પણ સ્પર્ધામાં જવાનું હોય તેના બે કે ત્રણ મહિના પહેલાથી જ તેઓ કડક ડાયટને ફોલો કરે છે. જેમાં ફળ, શાકભાજી, પ્રોટીન પાવડર, ઈંડા વગેરે જેવી વસ્તુઓ નિયમિત રીતના લઈને શારીરિક ક્ષમતાને વધારે છે. નિયમિત નીંદર અને એક્સરસાઇઝ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી જ બોડી બિલ્ડીંગ માટે પણ એક પ્રકારના અનુશાસનની ખૂબ જ જરૂર હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર