પંજાબ તરફ જતી રેલવેની રેંકમાં બનેલો બનાવ
સ્થાનિક ફાયર તેમજ પોલીસ અને રેલવે તંત્રની સાવચેતી બાદ મોટી દુર્ઘટના ટળી
ભુજ: પૂર્વ કચ્છમાં કંડલા સહિતના વિસ્તારોમાં ઓઈલ કે અન્ય જવલનશીલ પદાર્થો લીકેજ થવાના બનાવો બનતા રહે છે. મોટા ભાગના આવા કિસ્સાઓમાં કંપનીઓમાં બનવા પામતા હોય છે ત્યારે આજરોજ બપોરે આડેસર રેલવે ટેન્કરમાં જલદ પ્રવાહી લીક થતાં દોડધામ મચી હતી. ફાયર ફાઈટર અને રેલવે અને સ્થાનિક પોલીસે સાવચેતી દાખવીને દુર્ઘટના થતાં અટકાવી હતી. જો કે, લીકેજનું સાચું કારણ રેલવે વિભાગના અધિકારીઓ જણાવી શક્યા ન હતા.
આજે રાપર તાલુકાના આડેસર પાસે કંડલાથી જલદ પ્રવાહી લઈ બપોરે બાર વાગ્યાના ગાળામાં હરિયાણા પંજાબ તરફ જતી રેલવેની ટેન્કર રેંક માં એક ટેન્કરમાં લીકેજ થતાં સ્થાનિકે આડેસર પીઆઈ જે એમ વાળા તથા પોલીસ ટુકડી તેમજ રેલવે સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં સાવચેતી રખાવી હતી. આ બાબતે રાપર નગરપાલિકા તથા ભચાઉ નગરપાલિકા તેમજ અન્ય કંપનીઓમાંથી ફાયર ફાઇટર ફાયર બ્રિગેડના જવાનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લીકેજ થતા ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો. કંડલાથી કંપનીના ટેકશિયનો આવી લીકેજ બંધ કર્યું હતું. આ અંગે રેલવે વિભાગ ના અધિકારીઓએ આ બનાવ અંગે મૌન સેવી લીધું હતું. ત્રણ કલાક સુધી ચાલેલી આ કામગીરી બાદ પણ રેલવે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કારણ જણાવી શક્યા ન હતા. પોલીસ ફાયર બ્રિગેડ અને ફાયર ફાઇટરની સમયસૂચકતાના લીધે ગંભીર બનાવ બનતા અટ્કયો હતો.