આણંદ: ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ પ્રકારના વાયરલની સાથે સાથે સ્કીન ઇન્ફેક્શન એટલે કે, ચામડીના રોગ જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકોમાં ફંગલ ઇન્ફેક્શન અનેક જગ્યાએ થતું જોવા મળે છે. જે થવા પાછળનું કારણ અને તેનાથી બચવા માટે ઉપાય આપણે આયુર્વેદિક ડોક્ટર પાસેથી જાણીશું.
આ અંગે આયુર્વેદિક ડો. ધનવંતરી ઝાએ જણાવ્યું હતું કે, “વર્ષાઋતુ અને ખાસ કરીને ભાદરવા મહિનામાં કેમ સૌથી વધારે સ્કીન ડીસીઝ જોવા મળતા હોય છે. મોટાભાગે ચામડીના રોગ જે જગ્યાએ વધુ પડતો પરસેવો થતો હોય ત્યાં થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ઋતુમાં સૌથી વધારે પ્રમાણમાં ભેજ જોવા મળે છે. જેના કારણે આપણા શરીરમાં આવેલ પરસેવાના છિદ્ર ખુલી જતા હોય છે. જેના કારણે તેમાંથી સતત પરસેવો અથવા તો ચીકણો પદાર્થ નીકળતો રહેતો હોય છે.”
ફંગસ અને વાયરસને ડેવલોપ થવા માટે સારું વાતાવરણ આપોઆપ મળી જતું હોય છે. આ જ કારણ છે કે, આ ઋતુમાં સૌથી વધારે ખરજવું ધાધર અને ફંગલ ઇન્ફેક્શન જેવી તકલીફ જોવા મળતી હોય છે. ખાસ કરીને શરીરના ભાગ જે ઢંકાઈને રહેતા હોય છે. ત્યાં આ ઇન્ફેક્શન ફેલાવવાની શક્યતા વધુ રહેલી છે.
ઇન્ફેક્શનથી કેવી રીતે બચી શકાય
આ અંગે ડો. ધનવંતરી ઝાએ જણાવ્યું હતું કે, “ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે સૌપ્રથમ જ્યાં સૌથી વધારે પરસેવો એવો થતો હોય તે, ભાગને કોરો રાખવાની કોશિશ કરવી જોઈએ. ખાસ કરીને દિવસમાં એક કે બે વખત ઇનરવેર ચેન્જ કરવા જોઈએ આ ઉપરાંત શરીરના એ ભાગને કોરા રાખવા માટે પાવડરનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પાવડરથી પરસેવો ઓછો થશે અને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહેશે. આ ઉપરાંત આયુર્વેદિક પ્રોડક્ટ જેવા કે, જાત્યાદી તેલ જે જગ્યાએ ઇન્ફેક્શન થયું હોય તે જગ્યાએ લગાવી શકો છો.”
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “લીમડાના પાન એન્ટિફંગલ તત્વ ધરાવતા હોય છે. જેના કારણે લીમડાના પાનને ક્રશ કરીને તેની લુગદી બનાવીને પણ ઇન્ફેક્શન પર લગાવી શકાય છે. સાથે સાથે સ્નાન કરવા માટે ગરમ અથવા તો હૂંફાળું પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાણીમાં લીમડાના પત્તા ભેળવીને પણ સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો રહે છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર