Dayalji Mavjibhai Parmar : ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષે આજે ગુરુવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદના ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા હતા. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 4 વાગે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિની તબિયત લથડતાં તેમને રાજકોટની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે. આજે સાંજે ચાર વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
દયાળ મુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં થયો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધારક અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળ મુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દયાળ મુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.