Jamnagar : આગામી તા.21મી ડિસેમ્બરને શનિવારના રાત્રી દરમિયાન સાયન સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરશે અને આપણે ત્યાં શિશિર ૠતુનો પ્રારંભ થશે.
આ દિવસે સૂર્ય પોતાની દક્ષિણાયન ગતી પૂર્ણ કરી ઉત્તરાયણ ગતીની શરુઆત કરશે એટલે હવેથી દિવસ ક્રમશઃ લાંબો થશે અને રાત્રી ટુંકી થતી જશે. પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશે નમેલી રહીને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોવાથી આપણે ત્યાં પૃથ્વી ઉપર ૠતુના ફેરફાર અને રાત-દિવસની લંબાઈના ફેરફાર અનુભવીએ છીએ.
આગામી 21 મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ ઉપર 6 મહિનાના દિવસ દરમિયાનનો વચ્ચેનો દિવસ હશે, અને ત્યાં સુર્ય તેની મહતમ ઊંચાઈ એટલે 23.5 અંશની ઊંચાઈ ઉપર પહોંચશે, ત્યાર બાદ સૂર્યની ઊંચાઈ ઘટતી જશે. તેજ રીતે ઉત્તરાધૃવ ઉપર 6 મહિનાની રાત્રી દરમ્યાનનો વચ્ચેનો દિવસ હશે.
આગામી શનિવારે જામનગરમાં રાત્રીના લંબાઈ 13 કલાક અને 14 મિનિટની રહેશે અને દિવસ 10 કલાક અને 46 મિનિટનો રહેશે દ્વારકામાં રાત્રીના લંબાઈ 13 કલાક અને 13 મિનિટ રહેશે.
21 ડિસેમ્બર પછી સૂર્યોદય ક્રમશઃ મોડો થશે પરંતુ સૂર્યાસ્ત તેથી વધારે મોડો થશે, આ કારણે સૂર્ય આપણા આકાશમાં વધુ સમય હાજર હશે, અને દિવસ ક્રમશઃ લાંબો થતો જશે.