- મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયો યજ્ઞ
- ભીખાજી ઠાકોરને ટીકીટ માટે કરાઈ પ્રાર્થના
- સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર
સાબરકાંઠામાં ઉમેદવારને લઈને વિવાદ હજી શાંત નથી થઈ રહ્યો. આ વચ્ચે અરવલ્લી જિલ્લાનાના મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. ભીખાજી દુધાજી ઠાકોરની ટિકિટ રદ થતા જ આક્રોશ ઠાલવવા કેટલાક ભાજપ કાર્યકરો અને ભીખાજીના સમર્થકો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યો હતો.
નોંધનીય છેકે ભાજપ હાઇકમાન્ડ દ્વારા સાબરકાંઠા પર ઉમેદવાર તરીકે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે ભીખાજીનું નામ જાહેર કર્યા બાદ તેમની અટકને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જે બાદ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા તેમની ટિકિટ રદ કરી સાબરકાંઠા બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી. જો કે તેમના નામ પર પણ જિલ્લા ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આજે અરવલ્લી જિલ્લાનાના મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે ભીખાજીના સમર્થકો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યજ્ઞમાં ભીખાજી ઠાકોરને ટીકીટ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમર્થકોના ભાજપ સામેના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર શરુ થયો છે.
ભાજપ દ્વારા ઉમેદવાર બદલીને પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જે હમણાં થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે તેમના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જો કે, શોભનાબેનનું નામ જાહેર થતા જ ભાજપના કાર્યકરો અને નારાજ નેતાઓ દ્વારા તેમના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે ‘આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે.’