- તાપી જિલ્લામાં સ્મશાનભૂમિ ઉપરની સગડી ચોરવાના કિસ્સા વધ્યા
- સગડી ગામના નાગરિકના ઘરે પાર્કિંગમાં મૂકવામાં આવી હતી જે રાત્રે ગાયબ થઈ
- વ્યારા તાલુકાના આંબિયા ગામમાં સઠવાડ ફળિયામાં સ્મશાનભૂમિ બનાવવામાં આવેલી
તાપી જિલ્લાના ગામડાંઓમાં મોટા ભાગે અગ્નિદાહ માટેની સ્મશાનભૂમિનું બાંધકામ ગામની સીમમાં થયેલું જોવા મળે છે. ત્યાંથી ચોરટાઓ સરળતાથી સગડી ચોરી જવામાં સફળ થતા રહ્યા છે. પરંતુ વ્યારાના આંબિયામાં તો સ્મશાનમાં ગોઠવવા માટે લવાયેલી નવી સગડી જે ગામના રહીશના ઘરે પાર્કિંગમાં મૂકી હતી તે ચોર ટોળકી ત્યાંથી ચોરી જતા ચકચાર મચી છે.
વ્યારા તાલુકાના આંબિયા ગામમાં સઠવાડ ફળિયામાં સ્મશાનભૂમિ બનાવવામાં આવેલી છે. ગામમાં બનતા મરણ પ્રસંગમાં મૃતકના અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિ મહત્ત્વની પુરવાર થઇ છે. પરંતુ જે તે સમયે સ્મશાનમાં ગોઠવાયેલી સગડી ખરાબ થઇ ચૂકી હોવાથી ગ્રામ પંચાયત દ્વારા નવી સગડીની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું હતું. ગ્રામ પંચાયત દ્વારા નવી સગડીની ખરીદી કરી જેને ગામના રહીશ પુનીલાલ વસાભાઇ ચૌધરીના ઘરના પાર્કિંગમાં મૂકવામાં આવી હતી. સ્મશાનભૂમિમાં સગડી ફિટિંગ કરવા માટે તા. 17-4-23ના રોજ પુનિલાલભાઇના ઘરે લેવા જતા જ ત્યાં સગડી જોવા મળી ન હતી. હરકોઇ સમયે ચોરટાઓ લોખંડની સગડી ચોરી ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવ અંગે ગ્રામ પંચાયત આંબિયાના મહિલા સરપંચ રેખાબેન અમિતભાઇ ચૌધરીએ પોલીસ મથકે લેખિત અરજી દ્વારા જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં સ્મશાનભૂમિ ઉપરની સગડી ચોરવાના કિસ્સા વધ્યા છે. અગાઉ પણ જિલ્લાના એક ગામની સ્મશાનભૂમિમાંથી સગડી ચોરાઈ હતી.