આણંદ: ભારતમાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષ જોવા મળતા હોય છે. જેમાં અલગ-અલગ પ્રકારના આયુર્વેદિક ગુણો હોય છે. જેનો ઉપયોગ કરી આપણા પૂર્વજો દ્વારા અલગ અલગ સમસ્યાઓની દવા બનાવવામાં આવતી હતી. જોકે, સમયની સાથે આધુનિકતા આવતા આયુર્વેદિક નુસખા અને આ છોડ અંગે લોકો વિસરતા જાય છે. ઘણી બધી જગ્યાએ મેડિસિનલ પ્લાન્ટની ખેતી પણ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને બરાબર માર્કેટ અને ભાવ ન મળતા ખેડૂતો દ્વારા બીજા પાક તરફ વળવું પડ્યું છે. જોકે મેડિસિનલ પ્લાન્ટમાં રહેલ ગુણવત્તાના કારણે તે અનેક રીતના ઉપયોગી થઈ શકે છે. જેથી અસાળિયા(Asylum)ની ઔષધીય ઉપયોગીતા અંગે આજે આપણે જાણીશું.
આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી ઔષધિ
આ અંગે કૃષિ વૈજ્ઞાનિક ડો.વિશાખા ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક મેડિસિનલ પ્લાન્ટ(Medicinal plants)માં કોઈકને કોઈક ગુણવત્તા રહેલી હોય છે. જેના કારણે તે વિવિધ પ્રકારની તકલીફોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેવી જ રીતના અસાળિયાની પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. અસાળિયા(Asylum)ને અંગ્રેજીમાં અસાયલમ અને ગુજરાતીમાં ચંદ્રશૂર કે હલીમ તરીકે ઓળખવામાં આવે છે. આ છોડને સામાન્ય રીતે ચંદ્રસૂર તરીકે ઓળખવામાં આવે છે. અસાળિયાના લીલા પાનનો ઉપયોગ ભાજી અથવા તો સલાડ તરીકે પણ કરી શકાય છે. જ્યારે આ છોડના બીજનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે.
અસ્થમા, ટીબી અને કફમાં કારગર
અસાળિયામાં કેલ્શિયમ, લોહતત્વ અને વિટામીન b1 જેવા તત્વ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે સ્ત્રીઓમાં થતો પાંડુરોગ જેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપચારમાં આનો ઉપયોગ ખૂબ જ સારો રહે છે. આ ઉપરાંત આનો ઉપયોગ અસ્થમા, ફેફસાનો ટીબી, કફ વગેરે જેવી તકલીફમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. સાથે સાથે જે બાળકોની વૃદ્ધિ બરાબર રીતના ન થતી હોય તેમને અસાળિયાના બીજ સાથે ગોળ ભેળવીને સુખડી, લાડુ અથવા તો શીરો બનાવીને નિયમિત રીતના ખવડાવવાથી તેમની ઊંચાઈ વધે છે અને વૃદ્ધિ બરાબર રીતના થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “માણસોની સાથે સાથે પશુ માટે પણ અષાઢીયો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગાય, ભેંસના વિયાણ બાદ અસાળિયાના બીજ, બાજરી, તલ, મેથી, સુવા અથવા તો ગોળ સાથે ભેળવીને પશુને આપવામાં આવે તો તે એક પ્રકારના ટોનિક તરીકે કામ કરે છે. જે પશુઓને ખૂબ જ ફાયદાકારક થાય છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર