India Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ સિઝફાયર પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા 48 કલાકથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેઓ પોતે પાકિસ્તાન અને ભારતના નેતાઓના સંપર્કમાં છે. બંને નેતાઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે પણ વાત કરી હતી.
ભારત, પાકિસ્તાન તાત્કાલિક સિઝફાયર પર સહમત: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું છે કે અમેરિકાની મધ્યસ્થતામાં એક લાંબી રાતની વાતચીત પછી મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક સીઝફાયર માટે સંમત થયા છે. બન્ને દેશોને બુદ્ધિ અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવા બદલ અભિનંદન. આ બાબતે તમારું ધ્યાન દોરવા બદલ આભાર.
આ પણ વાંચો – ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા 5 પ્રમુખ આતંકીની વિગતો સામે આવી, મસૂદ અઝહરના સંબંધીઓ પણ સામેલ
અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક્સ પર લખ્યું છે કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શેહબાઝ શરીફ, વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે.
તેમણે કહ્યું કે મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક સીઝફાયર માટે સંમત થઈ ગઇ છે અને વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરી છે. અમે શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફની બુદ્ધિમતા અને વિવેકની પ્રશંસા કરીએ છીએ.
ભારતના વિદેશ મંત્રાલયે પણ પૃષ્ટી કરી
ભારતના વિદેશ મંત્રાલયે પણ તેની પૃષ્ટી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જાણકારી આપી કે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર લાગુ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને બપોરે ફોન કર્યો અને ગોળીબારી રોકવા પર સહમતી બની છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે 15.35 કલાકે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો હતો. તેમના વચ્ચે સહમતી બની કે બન્ને પક્ષો સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમદ્રમાં બધા પ્રકારની ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી બંધ કરી દઇશું. આ સહમતીને લાગુ કરવા માટે બન્ને પક્ષોને નિર્દેશ આપવામાં આવ્યા છે. તે 12 મે ના રોજ ફરીથી વાત કરશે.